હવે પાકિસ્તાન ઉપર ક્યારે હુમલો થશે તેની ચર્ચા ભારતમાં અને
ચિંતા પાકિસ્તાનમાં થઈ રહી છે. મોદીની આજની મુંબઈ મુલાકાત રદ થઈ છે. ત્યારે નવી દિલ્હીમાં
ઉચ્ચ કક્ષાએ તૈયારી થઈ રહી છે. વડાપ્રધાને નવમી મેના રશિયા જનારા હતા તે મુલાકાત રદ
કરી છે. રશિયાના `િવજય દિવસ'ની પરેડમાં હવે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ હાજરી
આપશે. વડાપ્રધાન મોદી વિદેશયાત્રા રદ કરે તેનો અર્થ છે કે મહત્ત્વના નિર્ણય અથવા બનાવની
શક્યતા છે અને અત્યારના સંજોગોમાં પાકિસ્તાન ઉપર આક્રમણ સિવાય બીજી કોઈ મહત્ત્વની ઘટના
સંભવિત નથી. પણ મોદીએ સચોટ ઈશારો ર્ક્યો છે, સમય સીમિત હૈ,
લક્ષ્ય બડા હૈ! આ ઈશારો સમજવો જોઈએ. હવે ઘડીઓ ગણાય છે. સમય મર્યાદિત
અર્થાત્ ઓછો છે અને લક્ષ્ય મોટું છે - અર્થાત્ માત્ર સર્જિકલ સ્ટ્રાઈક નથી - મોટાપાયે
આક્રમણ થશે. આર્મી, નેવી અને એરફોર્સ ત્રણે પાંખ - ત્રિશૂળ સક્રિય
હશે. વડાપ્રધાને રાષ્ટ્રીય સલામતી સલાહકાર બોર્ડની નવેસરથી નિમણૂક કરી છે અને તેમાં
ભારતીય સશત્ર દળોના પૂર્વ ઉચ્ચ વડાઓ, રિસર્ચ એન્ડ એનાલિસીસ એજન્સી-રોના
પૂર્વ વડા બોર્ડના અધ્યક્ષ નિમાયા છે. મોદી લશ્કરી પગલાંમાં કોઈ ક્ષતિ રહી જાય નહીં
તેની સાવધાની રાખી રહ્યા છે. આ સાથે એમણે સંઘ પરિવારના વડા મોહન ભાગવતને પણ માહિતગાર
રાખ્યા છે. આ બધી તૈયારી સામાન્ય રીતે યુદ્ધના સમયે કરવામાં આવે છે તે જોતાં પૂર્વ
તૈયારી છે. ભારતના `િનર્ણય'ની જાણ વિશ્વના મિત્રદેશોને પણ કરવામાં આવી છે
અને પાકિસ્તાનના શત્રુ દેશોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા છે. લડાઈ લાંબી ચાલે તો
અફઘાનિસ્તાનની ભૂમિકા મહત્ત્વની હશે એમ મનાય છે. બલુચિસ્તાનમાં તો પાકિસ્તાની સૈનિકો
ઉપર હુમલા થઈ રહ્યા છે અને આઝાદીની લડત જોર પકડી રહી છે. શત્રુના શત્રુને મિત્ર બનાવવાની
ચાણક્ય નીતિને મોદી અનુસરી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારતના મિત્ર અને વ્યૂહાત્મક
ભાગીદાર હોવા છતાં તટસ્થ સમતોલન જાળવતા હોય એમ લાગે છે. `હું બંને દેશોના નેતાઓને ઓળખું છું. એમ
કહીને છટકી રહ્યા છે, જ્યારે બ્રિટનના
પ્રવકતાએ કહ્યું છે કે, હત્યારાઓને સજા થવી જ જોઈએ. અમે ભારત
સાથે છીએ. આમ કહ્યા પછી મુત્સદ્દીગીરી બતાવી છે. વિદેશ ખાતાંના પ્રધાન હમીશ ફલકોનરે
આમ સભામાં કહ્યું છે કે, અમે પાકિસ્તાનને કહ્યું છે કે,
ભારત તપાસ કરે છે તેમાં પૂર્ણ સહકાર આપો. ભારતની ચિંતા અમે સમજી શકીએ
છીએ.' વાસ્તવમાં બ્રિટનની સિક્રેટ એજન્સીઓને ખબર હોય જ કે આતંકી
હુમલા પાછળ હાથ કોનો છે. લંડનમાં પાકિસ્તાન અને ભારતના હાઈ કમિશનોની સલામતી માટે પગલાં
લેવાયાં હોવાનું એમણે કહ્યું. પાકિસ્તાની હાઈ કમિશનના ડિપ્લોમેટે જે મોદીના ગળાકાપના
ઈશારા બાબત તપાસ થઈ રહી છે - આ બાબત ચિંતાકારક છે એમ પણ કહ્યું...! પણ આવી ઘટનાને વખોડવાની
જરૂર લાગી નહીં!