• શનિવાર, 03 મે, 2025

આતંકીઓને વીણી વીણીને ખતમ કરશું : શાહ

નવી દિલ્હી, તા. 1 : ભારતનાં આક્રમક વલણથી ભયભીત બનેલાં પાકિસ્તાને રઘવાટમાં ઉંધાં-ચતાં પગલાં લેવા માંડયાં છે, ત્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે આતંકવાદીઓ તેમજ આતંકીઓના આકાઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે, એક-એકને વીણી વીણીને મારીશું. કોઇ કાયરતાપૂર્વક હુમલા કરીને વિચારશે કે, તેમની જીત થઇ છે, તો તે મોટી ભૂલ હશે. એક-એક ઇંચ ભારતની ભૂમિ પરથી આતંકવાદને નષ્ટ કરી નાખશું, તેવો હુંકાર શાહે કર્યો હતો. પહેલગામ હુમલા પછીની પોતાની પહેલી જાહેર ટિપ્પણીમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયાના તમામ દેશ આતંકવાદ વિરુદ્ધ ભારતની સાથે ઊભા છે. જ્યાં સુધી આતંકવાદ સમાપ્ત નહીં થાય, ત્યાં સુધી ભારત દેશ દંડ આપતો રહેશે.નિર્દોષ નાગરિકોની હત્યા કરીને લડાઇ જીતી લીધી હોવાના ભ્રમમાં રહેવાની ભૂલ કરશે નહીં. તમામ આતંકવાદ ફેલાવનારાઓ સમજી લે, અમે ચૂંટી-ચૂંટીને મારવાના છીએ, તેવું તેમણે એક સમારોહમાં જણાવ્યું હતું. આ લડાઇ કોઇ અંત નથી, આતંકવાદ સામે અમારી લડાઇ જારી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ડાબેરી ઉગ્રવાદ હોય કે કાશ્મીરમાં આતંકવાદ બધાનો ખાતમો થશે.ગૃહમંત્રીએ કહ્યું હતું કે, 27 નિર્દોષ નાગરિકોના જીવ લેનારા આતંકવાદીઓ અને તેમને પોષનારાઓને સજા અપાશે જ. તેમણે કહ્યું કે, `જો કોઈ કાયરતાપૂર્ણ હુમલો કરવાનું વિચારે છે તો આ તેમની મોટી જીત છે, તો એક વાત સમજી લે, આ નરેદ્ર મોદીની સરકાર છે, કોઈને છોડશે નહીં. અમારો સંકલ્પ છે કે, આ દેશના દરેક ખૂણામાંથી આતંકવાદને ઉખાડીને ફેંકી દઈશું. ન ફક્ત 140 કરોડ ભારતીયો પણ આખી દુનિયા આ લડાઈમાં ભારત સાથે ઊભી છે.' અમિત શાહે આગળ કહ્યું કે, `દુનિયાના તમામ દેશો એકજૂટ થઈને ભારતના લોકો સાથે આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ઊભા છે. હું આ સંકલ્પને ફરી રિપીટ કરવા માગું છું કે, જ્યાં સુધી આતંકવાદનો ખાતમો નહીં થાય, અમારી લડાઈ ચાલુ રહેશે અને જેમણે આ કામ કર્યું છે, તેમને નિશ્ચિતપણે યોગ્ય સજા આપવામાં આવશે.' કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, `આજે હું જનતાને કહેવા માગું છું કે, અમે 90ના દાયકાથી કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ પર મજબૂતીથી લડી રહ્યા છીએ. આજે આતંકીઓએ એવું ન વિચારવું જોઈએ કે, તેમણે અમારા નાગરિકોના જીવ લઈને જંગ જીતી લીધો છે. હું એ તમામ લોકોને કહેવા માગું છું કે, જે આતંક ફેલાવે છે, આ લડાઈનો અંત નથી, દરેક વ્યક્તિને જડબાંતોડ જવાબ મળશે.' મહત્ત્વનું છે કે, મંગળવારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ તથા સેનાની ત્રણેય પાંખના વડા સાથે મોદીએ એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં સેનાને છૂટો દોર આપ્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd