ચેન્નાઇ, તા. 30 : આઈપીએલની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ઘરઆંગણે ચેન્નાઈ
સુપર કિંગ્સને હરાવ્યું હતું. આ હાર સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ પ્લેઓફની રેસમાંથી
બહાર થઈ હતી. ચેન્નઈએ આઈપીએલના ઇતિહાસમાં ચેપોક ખાતે સતત પાંચમી મેચ હારી છે અને વર્તમાન
સિઝનની પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં
પંજાબે 19.4 ઓવરમાં છ વિકેટ ગુમાવીને મેચ
જીતી લીધી. ચહલે સિઝનની પહેલી હેટ્રિક લીધી હતી. લક્ષ્યને આંબવા ઊતરેલી પંજાબની ટીમ
વતી પ્લેયર ઓફ ધ મેચ બનેલા કેપ્ટન શ્રેયસ ઐયરે 41 દડામાં 5 ચોગ્ગા અને
4 છગ્ગા સાથે 72 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી.
પ્રભસિમરન સિંહે 36 દડામાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54 રન, પ્રિયાંશ અને શશાંકે 23-23 રન બનાવ્યા હતા. સીએસકેના ખલીલ
અહેમદે 24 રન આપી 2, તો પથિરાનાએ 45 રન આપી 2 વિકેટ ખેરવી હતી. રવીન્દ્ર અને નૂરને 1-1 વેકેટ સાંપડી હતી. અગાઉ આઇપીએલ
ઇતિહાસના સૌથી સફળ બોલર યજુર્વેન્દ્ર ચહલની હેટ્રિક છતાં પંજાબ કિંગ્સ સામે ચેન્નાઇ
સુપર કિંગ્સ ટીમ 19.2 ઓવરમાં190 રનના મજબૂત સ્કોર પર ઓલઆઉટ
થઇ હતી. સ્ટાર સ્પિનર ચહલે ઇનિંગ્સની 19મી ઓવરમાં કુલ 4 વિકેટ લીધી હતી. તેણે ઓવરના બીજા દડે સીએસકે કેપ્ટન ધોનીનો શિકાર
કર્યો હતો. આ પછી ચોથા, પાંચમા અને
છઠ્ઠા દડે અનુક્રમે દીપક હુડ્ડા, અંશુલ કમ્બોજ અને નૂર અહમદને
આઉટ કરીને ચહલે આઇપીએલમાં બીજીવાર હેટ્રિક પૂરી કરી હતી. આ પહેલાં ચહલે 2022 સિઝનમાં હેટ્રિક લીધી હતી, ત્યારે પણ ચહલે એક ઓવરમાં 4 વિકેટ લીધી હતી. ત્યારે તે રાજસ્થાન ટીમનો
હિસ્સો હતો અને કોલકતા સામે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આઇપીએલ-202પ સિઝનની આ પહેલી હેટ્રિક છે.
સીએસકે તરફથી સેમ કરને 47 દડામાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાથી 88 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી.
અન્ય કોઇ સીએસકે બેટર મોટી ઇનિંગ્સ રમી શક્યું ન હતું. ઓપનર શકીલ રસીદ 11, આયુષ મ્હાત્રે 7 અને રવીન્દ્ર જાડેજા 17 રને આઉટ થયા હતા. 48 રનમાં 3 વિકેટ પડી ગયા પછી સેમ કરન અને ડેવાલ્ડ
બ્રાવિસે પંજાબના બોલરોને હંફાવીને ચોથી વિકેટમાં પ0 દડામાં 78 રનની ભાગીદારી
કરી સીએસકેની વાપસી કરાવી હતી. બ્રાવિસ 26 દડામાં 32 રને આઉટ થયો
હતો. કેપ્ટન ધોની 4 દડામાં 11 રનનો ચમકારો કરી આઉટ થયો હતો.
આખરી ઓવરમાં શિવમ દૂબે (6) આઉટ થતાં
સીએસકેની ઇનિંગ્સ 190 રને સમાપ્ત
થઇ હતી.