ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના વરસામેડી સ્થિત
વેલસ્પન કંપની પતરા કોલોની પાછળ ખેતરમાંથી વિનયકુમાર યાદવની હત્યા કરાયેલી લાશ મળી
આવી હતી. આ પ્રકરણમાં પોલીસે તેના સગા ભાઇને પકડી પાડયો હતો. વરસામેડીમાં વેલસ્પન કંપનીની
પતરા કોલોની પાછળ ખેતરમાં બાવળની ઝાડીમાંથી વિનયકુમાર યાદવની તા. 26/4ના હત્યા કરાયેલી લાશ મળી આવી
હતી, જે અંગે પોલીસે ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી
હતી. આ વિસ્તારની આસપાસ આવેલા તમામ સી.સી. ટી.વી.ના ફૂટેજ, ટેકનિકલ
એનાલિસીસના આધારે પોલીસ આગળ વધી હતી, જેમાં તેના સગા ભાઇ ઝારખંડમાં
રહેતા અજયકુમાર અયોધ્યાપ્રસાદ યાદવ તરફ શંકાની સોય ગઇ હતી. પોલીસે ઉત્તરપ્રદેશ જઇને
આ શખ્સને પકડી પાડયો હતો. તેને અહીં લાવી તેની પૂછપરછ કરાતાં તે ભાંગી પડયો હતો અને
બંને ભાઇનું વેલસ્પન કંપનીમાં લેબર કોન્ટ્રેક્ટ ચાલતો હતો. વિનય આ કામ સંભાળતો હતો
અને આરોપી પોતાના વતનમાંથી શ્રમિકો મોકલાવતો હતો. વિનયે પોતાના ભાઇના ભાગના તથા ધંધામાં
રોકાણ કરેલા રૂપિયા પરત આપતો નહોતો અને ધંધામાંથી બેદખલ કરી નાખ્યો હતો, જેનું મનદુ:ખ રાખીને બનાવના એકાદ-બે દિવસ પહેલાં આરોપી અહીં આવ્યો હતો અને
પોતાના ભાઇને પતાવી નાખવા માટે અંજાર જઇ ત્યાંથી ધારિયા જેવું હથિયાર પણ લઇ આવ્યો હતો.
અને બનાવની રાત્રે પોતાના ભાઇને આંટો મારવાના બહાને પડતર જગ્યા પર લઇ જઇ તેના ગળામાં
હથિયાર વડે ઘા ઝીંકી તેની હત્યા નીપજાવીને તરત અહીંથી નાસી ગયો હતો. તેણે
આ હથિયાર ક્યાં સંતાડયું
છે તે સહિતની વિગતો માટે તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે, તેવું
તપાસકર્તા પી.આઇ. એ. આર. ગોહિલે જણાવ્યું હતું.