નવી દિલ્હી, તા. 1 : પહેલગામ આતંકવાદી
હુમલાની ન્યાયિક તપાસ કરાવવાનો ઈન્કાર કરી દેતાં સર્વોચ્ચ અદાલતે અરજદારને ઠપકો આપીને
પૂછ્યું હતું કે, શું આપ સુરક્ષાદળોનું
મનોબળ તોડવા માગો છો? સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે, આ સંવેદનશીલ સમય છે. આવી અરજીઓ કોર્ટમાં ન લાવો. અમારું કામ ફેંસલા આપવાનું
છે, તપાસ કરવાનું નથી. આપ નિવૃત્ત ન્યાયમૂર્તિ પાસેથી તપાસ કરાવવાની
માંગ કરો છો, અમે આતંકવાદી હુમલાની તપાસના તજજ્ઞ ક્યારથી બની
ગયા, તેવો સવાલ ન્યાયમૂર્તિ સૂર્યકાંતે અરજદારોને કર્યો હતો.
જો કે, સુપ્રિમે કહ્યું હતું કે, વિદ્યાર્થીની
સુરક્ષાના મુદ્દે આપ હાઈકોર્ટમાં જઈ શકો છો, ત્યાર બાદ ત્રણ અરજદારમાંથી
એક અરજદારે અરજી પાછી ખેંચી લીધી હતી. કાશ્મીરના રહેવાસી મોહમ્મદ જુનૈદની સામે ફતેશકુમાર
સાહુ અને વીકિકુમાર તરફથી ન્યાયિક તપાસની
માંગ સાથે અરજી કરાઈ હતી. અરજીમાં કેન્દ્ર સરકાર અને કાશ્મીર સરકાર ખીણમાં આવતાં સહેલાણીઓની સુરક્ષા
સુનિશ્ચિત કરે તેવી માંગ પણ કરાઈ હતી. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે, આપ થોડી જવાબદારી બતાવો, હુમલાની તપાસની માંગ જેવી વાતો
કરીને સેનાનું મનોબળ તોડવાનો શું મતલબ છે?