નવી દિલ્હી, તા. 1 : ભારતનાં આક્રમક
વલણથી ભયભીત અને બોખલાયેલાં આતંકપરસ્ત પાકિસ્તાની સેનાનો વડો જનરલ અસીમ મુનિર છુપાઇને
ભૂગર્ભમાં ચાલ્યો ગયો હોવાના અહેવાલો મળ્યા
હતા, ત્યારે આજે અચાનક સામે આવીને મુનિરે ભારતને
પરપોટા જેવી પોકળ ધમકી આપવા માંડી હતી. પોતાની સેના વચ્ચે જઇને ટેન્ક પર ચડીને કાગારોળ
કરી મૂકતાં પાક સૈન્યવડાએ એવી ધમકી આપી હતી કે, ભારતના કોઇ પણ
જાતના સૈન્ય દુ:સાહસનો જવાબ અપાશે. સીમા પર સતત વકરતી તાણ વચ્ચે જનરલ મુનિરે લવારો
કર્યો હતો કે, ભારતીય સેનાના દુ:સાહસનો ગતિભેર મક્કમ પ્રતિકાર
કરાશે. અચાનક ટીલ્લા ફિલ્ડ ફાયરિંગ રેન્જની મુલાકાતે પહોંચી ગયેલા મુનિરે પોતાની સેનાને સંબોધતાં આ બફાટ કર્યો હતો.પાકિસ્તાન પ્રાદેશિક
શાંતિ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ દેશનાં હિતની સુરક્ષા માટે અમારી
સેનાની તૈયારી અને સંકલ્પ મજબૂત છે, તેવો પોકળ દાવો મુનિરે કર્યો
હતો. દરમ્યાન એક સમાચાર ચેનલના અહેવાલ અનુસાર સીમા પર સૈન્ય તૈયારીઓ અને બંકરોની સમીક્ષા
કરતા સેનાવડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હકીકત એ છે કે, એ વીડિયો ત્રણ વર્ષ જૂનો છે. આ અહેવાલ પર ભરોસો કરાય તો હકીકત કંઇક એવી છે
કે, ભારતથી ભયભીત આતંકપરસ્ત
પાકિસ્તાનની સેનાનો વડો જનરલ અસીમ મુનિર હજુ પણ
ગાયબ જ છે. દરમ્યાન ગભરાઇ ગયેલા પાકિસ્તાની સૈનિકોએ સિયાલકોટ સરહદ પરની પોતાની સીમા ચોકીઓ ખાલી કરીને કાયરની જેમ પાછા દેશની અંદર ઘૂસી ગયા હોવાના વાવડ
પણ મળ્યા હતા.