શાંતિલાલ લીંબાણી દ્વારા : વિથોણ (તા. નખત્રાણા), તા. 30: વર્તમાન સમયમાં પશ્ચિમ કચ્છની ખેતી અને ખેડૂતોનો તારણહાર દાડમનો
પાક બન્યો છે. જોકે દાડમની ખેતી કરવી જોખમ ભરેલું હોય છે. વાતાવરણ, પાણી, ખાતર અને દવા દાડમ
ફાલને અસર છે. દાડમનો ભાવ ગુણવત્તા પ્રમાણે વેપારી નક્કી કરે છે. 300 ગ્રામથી વધુ વજન ધરાવતા ફળનો
ભાવ ઊંચો મળે છે અને દાગી તેમજ ફૂગ લાગી ગયેલાં ફળનો ભાવ ઓછો મળે છે. અત્યારના સમયમાં
બાંગ્લાદેશ અને ખાડી પ્રદેશોમાં સંગ્રામની સ્થિતિ હોવાથી દાડમની માર્કેટ ડાઉન ચાલે
છે. જેનાં કારણે ઘણા ખેડૂતોની દિવાળી તો અમુક ખેડૂતોને દેવાળું જેવું બન્યું છે. દાડમનાં
વાવેતર પછી ત્રણ વર્ષ સુધી છોડને પરિપક્વ બનાવવાં દવા, પોષક, ખાતર અને ડ્રીપથી
નિયમિત પાણી આપવું પડે છે અને ત્રણ વર્ષ પછી છોડ ફળ આપવા લાયક બને છે, તેવું ખેડુતો કહે છે. દાડમની ખેતી માટે ફળદ્રુપ અને નિતારવાળી જમીન જરૂરી છે.
માટીવાળી જમીનમાં દાડમનાં ઝાડ પાંગરતા નથી. જેનાં કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવું
પડે છે, પરંતુ જમીન અને હવામાન માફક આવે તો ખેડૂતોના પાસા પોબાર
બની જાય છે. દાડમનાં ફળની ગુણવત્તા જમીન, પાણી અને પર્યાવરણથી
બને છે. દાડમની પેદાશ ખારાં પાણીમાં પણ લઈ શકાય છે. તેવું તેઓ કહે છે. દાડમની મુખ્ય માર્કેટ દિલ્હીમાં છે. અહીંના
ખેડૂતો દાડમને ઉતારી કેરેટ દ્વારા દાડમની પેકાજિંગ કરી મંડીમાં પહોંચાડે છે. જ્યાં
ફળની ગુણવત્તા મુજબ ગ્રેડિંગ થાય છે. બોક્સ ભરી દિલ્હી મૂકવામાં આવે છે. દિલ્હીના વેપારીઓ
માલની કિંમત નક્કી કરીને રકમ સીધી ખેડૂતોનાં ખાતામાં ચૂકવવામાં આવે છે. દાડમની મંડી
ચલાવતા પેકેજિંગવાળાને બોક્સ ઉપર અથવા કિલો ઉપર બાંધણું કરી દેવામાં આવે છે. 10 કિલોનાં બોક્સ ઉપર રૂા. 60થી 70 સુધીનો ખર્ચ થાય છે. જેમાં બોક્સ પાકિંગ ખર્ચ અને ગ્રેડિંગ કરવાની
મજૂરી લાગતી હોય છે. પેકેજિંગની હરીફાઈ હોવા છતાં બધાનો ધંધો ચાલે છે અને ખેડૂતોને
પણ પોષક ભાવ મળી રહે છે, તેવી વિગતો
જાણવા મળી હતી. લગભગ બે દાયકા પૂર્વે પશ્ચિમ કચ્છમાં મગફળીની ખેતીની બોલબાલા હતી. ત્યાર
પછી બી.ટી. કપાસે ખેડૂતોને વાતો કરતા કર્યા. ત્યાર પછી દિવેલાનો જમાનો આવ્યો. દિવેલાથી
કચ્છની મુરઝાતી ખેતીમાં પ્રાણ આવ્યા, પરંતુ જ્યારથી દાડમની ખેતીઓ
ચાલુ થઈ છે તેના પછી મોટાભાગની વાડીઓમાં દાડમનાં છોડ જોવા મળે છે. દાડમની ખેતી ઘણીવાર
પાદડું લીલું ને રંગ રાતો જેવું થાય છે. દાડમની ખેતી કે અન્ય પેદાશો આંધળો જુગાર છે.
લાગ્યું તો તીર નહીં તો થોથું જેવું થાય છે, છતાં સરવાળે દાડમની
ખેતીએ ખેતી અને ખેડૂતને નવજીવન આપ્યું છે. દાડમની ખેતીથી ખેડૂતો ધનવાન થયા છે એવું
નથી, પરંતુ ખેડૂતોમાં સમૃદ્ધતા ચોક્કસ આવી છે.