ભારતીય વાયુસેનામાં ફાઈટર વિમાનોની ઘટ અંગે ચોમેર ચર્ચા છે.
આ બાબતે સંખ્યાબંધ નિષ્ણાતો સ્વદેશી બનાવટનાં ફાઈટર વિમાનોનાં ઉત્પાદનમાં વિલંબ અંગે
પણ ચિંતા વ્યક્ત કરતા રહે છે, પણ જ્યારે
વાયુસેનાના વડા ખુદ આ મામલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની ક્ષમતા સામે
સવાલ ખડા કરે ત્યારે તેની ગંભીરતા અનેકગણી વધી જાય છે. બેંગ્લુરુમાં એરો ઈન્ડિયા એર-શો
દરમ્યાન વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કરેલી વાત ખરા અર્થમાં ચોંકાવનારી
સ્થિતિનું ચિંતાજનક પ્રતિબિંબ પાડે છે. આમ તો વાયુદળના વડાએ અગાઉ પણ એચએએલ તરફથી મળતા
વિમાનોના વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે, પણ એરો ઈન્ડિયાનાં
આયોજન સમયે તેમણે કરેલી વાતથી સંરક્ષણ તૈયારીમાં નબળાઈ છતી થતાં દેશનાં વ્યૂહાત્મક
હિતોની માટે અયોગ્યો સંદેશ દુનિયાને ગયો છે. એચએએલે તેજસ (એમકે-1-એ) ફાઈટર વિમાનો વાયુદળને પૂરા પાડવામાં
એક વર્ષથી વધુનો વિલંબ કર્યો છે. આનાથી વાયુદળની હવાઈ ક્ષમતા પર અવળી અસર પડી રહી હોવાની
વાયુસેનાના વડાની ચિંતા સ્વાભાવિક ગણી શકાય તેવી છે. વળી એચએએલે આ વિમાનો પૂરા પાડવા
માટેની નવી-નવી સમયમર્યાદા અપાયા છતાં તેને પાળી ન હોવાની બાબત ખરા અર્થમાં દેશહિતની
વિરુદ્ધની ગણી શકાય તેવી છે. હવે એચએએલ એવો
દાવો કરે છે કે, તેજસ વિમાનનાં ઉત્પાદન
આડે ટેકનિકલ અંતરાયો હતા, જે હવે દૂર થઈ ગયા છે અને આવનારાં ત્રણ
વર્ષમાં વાયુદળને 83 તેજસ વિમાન
સુપરત કરી દેવાશે. એવા અહેવાલ હતા કે, આ વિમાનો માટે ચાવીરૂપ એફ-404 એન્જિનો અમેરિકાની જીઈ એરોસ્પેસ પાસેથી મળ્યા ન હોવાને લીધે
ઉત્પાદનમાં વિલંબ થયો હતો. આમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજીની ટ્રન્સફરની જટિલતા
કારણરૂપ બની હતી. હાલના સમયમાં ચીનની સાથોસાથ પાકિસ્તાનના વાયુદળે આધુનિક યુદ્ધવિમાનોના
મામલે હરણફાળ ભરી છે. તેની સાથોસાથ ભારતીય વાયુસેના પાસે અનિવાર્ય એવી વિમાનોની સ્કવોડ્રનો
સતત ઘટી રહી છે. એક તરફ વિમાનો જૂનાં થઈ રહ્યાં છે,
તો બીજી તરફ નવાં વિમાનોનો સમાવેશ કરવામાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે.
આવામાં બે મોરચા ઉપરાંત બાંગલાદેશ સાથે બદલાઈ રહેલા સમીકરણોને જોતાં ભારતીય વાયુસેના
સામેના પડકાર સતત વધી રહ્યા છે. આજે ભારત જેવા દેશને તેની વ્યૂહાત્મક તાકાત જાળવવી
અનિવાર્ય છે, ત્યારે વિમાનો ખરીદવા અને ઘરઆંગણે ઉત્પાદન કરવાની
યોજનાઓ ગોકળગાય ગતિએ આગળ વધતી હોવાને લીધે દેશના સમાન્ય નાગરિકોથી માંડીને વાયુદળના
વડા સહિત તમામ ચિંતિત છે, ત્યારે આ મામલે હવે તાકીદનાં પગલાં
લેવા પર સરકારે ધ્યાન આપવાની જરૂરત છે. આશા રાખી શકાય કે, એરો
ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રા દરમ્યાન વાયુદળનાં ફાઈટર વિમાનોનો
મુદ્દો ઉકેલવા નક્કર કરાર થાય અને આવનારા સમયમાં વાયુદળ ચીન, પાકિસ્તાન અને બાંગલાદેશ એમ એકસાથે ત્રણ મોરચાને પહોંચી વળવા જેટલું શક્તિશાળી
બની રહે.