• ગુરુવાર, 30 જાન્યુઆરી, 2025

મોંઘવારીનો બેવડો પડકાર

આર્થિક મોરચે ચિંતાજનક સ્થિતિ વધુ ને વધુ પડકારભરી બની રહી છે. એક તરફ ડોલરની સરખામણીએ રૂપિયો સતત ઘટી રહ્યો છે, તો વિકાસ દરમાં વધારો અપેક્ષા કરતાં ઊણો ઊતરી રહ્યો છે. આ બધા વચ્ચે સામાન્ય માનવી પર મોંઘવારીનો બોજો ઘટવાનું નામ લેતો નથી. કપરા આર્થિક સમયમાં મોંઘવારીના મારને લીધે આર્થિક ચિત્ર સુધારવાના પ્રયાસો સફળ થતા જણાતા નથી.  આવામાં મોંઘવારીએ વધુ એક વખત સામાન્ય માનવીથી માંડીને દેશના અર્થતંત્ર સુધી તમામ સ્તરે આંચકો આપ્યો છે. જથ્થાબંધ મોંઘવારીના તાજા આંકડા આર્થિક પડકાર વધે એવા અમંગળ એંધાણ આપી રહ્યાં છે.   ગયાં વર્ષે એપ્રિલ મહિનાથી ડિસેમ્બર વચ્ચેના સમયગાળાના સામે આવેલા આંકડા મુજબ મોંઘવારી ચૂપકીદીથી વધી છે. ક્યારેક ક્યારેક ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં થોડી નરમાઇ અનુભવાઇ હતી, પણ અન્ય વસ્તુઓ અને ઇંઘણના ભાવો જે રીત વધ્યા છે તેનાથી મોંઘવારીને કાબૂમાં લેવાના પ્રયાસ સતત વિફળ રહ્યા છે. મોંઘવારીની અસર તળે બજારમાં માંગ ઘટી ગઇ હોવાને લીધે ઉત્પાદન ક્ષેત્રમાં સુસ્તી વધી રહી છે. આર્થિક ચક્રના આ પડકાર તળે જથ્થાબંધ મોંઘવારી વધી રહી છે. ઉત્પાદનના ખર્ચમાં વધારાને લીધે જથ્થાબંધ ભાવોનો બોજો ગ્રાહકોને કનડી રહ્યો છે. આ સંજોગામાં અર્થતંત્રની સામેના પડકારો વધુ ગંભીર બની રહ્યા છે.  આમ તો છૂટક મોંઘવારીનો દર નજીવો ઘટયો છે, પણ તેનાથી જોઇએ એવી રાહત લોકોને જણાઇ નથી. છૂટક મોંઘવારી ચાર મહિનાનાં નીચલાં સ્તરે છે. ગયાં વર્ષે નવેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી 5.48 ટકા હતી, જે ડિસેમ્બર મહિનામાં ઘટીને 5.22 ટકા થઇ છે. જો કે, આ ઘટાડો એટલો બધો ઓછો છે કે, તેનાથી કોઇ રાહત જણાઇ નથી. છૂટક મોંઘવારીનો દર અને હવે જથ્થાબંધ ભાવાંક બન્નેનો બોજો હળવો થયો ન હોવાને લીધે રિઝર્વ બેંકની સામે બેંકના દરોમાં ઘટાડો કરવાનો વિકલ્પ જણાતો નથી. અધૂરામાં પૂરું ડોલરનો દર સતત વધતો રહ્યો હોવાને લીધે આયાત વધશે, તેમાં પણ ક્રૂડતેલની આયાત મોંઘી થતાં વપરાશકારો માટે ઇંધણનો બોજો વધી શકે તેમ છે. આવા સંજોગોમાં મોંઘવારીનો બોજો ઘટે એવી કોઇ શક્યતા જણાતી નથી અને તેની સાથે અર્થતંત્રની સામેનો પડકાર વધુ ઘેરો બની શકે છે. આવનારા દિવસો આર્થિક રીતે મુશ્કેલીભર્યા બની શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd