મુંબઈ, તા.30 : મુંબઈ ઇન્ડિયન્સ ફરી એકવાર હિટમેન રોહિત શર્માને ટીમના સુકાની તરીકે પુન:સ્થાપિત
કરવા સંપૂર્ણપણે તૈયાર છે. તાજેતરમાં જ સમગ્ર સપોર્ટ સ્ટાફની પુનર્રચના કર્યા બાદ મેનેજમેન્ટ
દ્વારા લેવાયેલો આ નિર્ણય ક્રિકેટ જગત માટે આશ્ચર્યજનક નથી ગણાઈ રહ્યો. ગત સિઝનમાં
હાર્દિક પંડયાનાં નેતૃત્વ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું, ત્યારે ન્યૂઝીલેન્ડ પ્રવાસે
રવાના થતાં પૂર્વે રોહિત શર્મા સાથે કેપ્ટનશિપ મુદ્દે મેનેજમેન્ટની અનેક તબક્કાની ચર્ચાઓ
થઈ હતી. કિરોન પોલાર્ડને હેડ કોચ, રોબિન ઉથપ્પાને બાટિંગ કોચ,
મિચેલ મેક્લેનાઘનને બાલિંગ કોચ, ટી. દિલીપને ફિલ્ડિંગ
કોચ અને ધવલ કુલકર્ણીને ડેવલપમેન્ટ બાલિંગ કોચ તરીકે જોડવાના નિર્ણયમાં પણ રોહિતનો
મહત્ત્વનો અભિપ્રાય લેવાયો હતો. ચર્ચા દરમિયાન રોહિત શર્માએ ભવિષ્યના રોડમેપને ધ્યાને
રાખીને યુવા બેટર તિલક વર્માને કપ્તાની સોંપવાની તરફેણ કરી હતી, જેથી લાંબાગાળાનું નેતૃત્વ તૈયાર થઈ શકે. જો કે, ફ્રેન્ચાઇઝીના
ઉચ્ચ અધિકારીઓના વિશેષ આગ્રહ અને ટીમને પુન: વિજયી ટ્રેક પર લાવવાના હેતુથી રોહિત શર્મા
ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સની કમાન સંભાળવા આખરે સંમત થયો હોવાનું જાણવા મળ્યું છે.