કોટડા (ચકાર), તા. 31 : દિવાળીના
તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી
તહેવારની તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી દરમિયાન ઘરની સાફસફાઈ, રંગરોગાન, મીઠાઈ-ફરસાણની
ખરીદી તેમજ પરિવારના સભ્યો માટે નવાં કપડાં લેવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જોકે,
વધતી મોંઘવારી અને મર્યાદિત આવકને કારણે દરેક પરિવાર માટે મોટા બજારો
કે શોરૂમમાંથી મોંઘાં કપડા ખરીદવા શક્ય બનતાં નથી. આવા સંજોગોમાં ભુજ તાલુકાના કુકમા,
કોટડા ચકાર, પધ્ધર અને માધાપર સહિતનાં ગામોમાં
ભરાતી ગુજરી બજારો મધ્યમ વર્ગ, શ્રમજીવી અને ઓછી આવક ધરાવતા પરિવારો
માટે આશીર્વાદરૂપ બની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતી આ ગુજરી બજારોમાં જૂનાં પરંતુ
ઉપયોગમાં લઈ શકાય તેવાં કપડાનું વેચાણ કરવામાં આવે છે. અહીં શર્ટ, પેન્ટ, સાડી, બાળકોનાં કપડા,
ચાદર સહિતની રાજિંદા ઉપયોગની વિવિધ વસ્તુઓ ઓછી કિંમતે ઉપલબ્ધ બને છે.
સામાન્ય રીતે રૂ. 50થી રૂ. 100 કે તેથી વધુ કિંમતમાં મળતી
આ વસ્તુઓને કારણે મર્યાદિત બજેટ ધરાવતા પરિવારો પણ પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરી
શકે છે. આજના સમયમાં મોટા શોરૂમ, મોલ અને
ઓનલાઇન ખરીદીનો વ્યાપ વધ્યો છે, છતાં ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરી
બજારોનું પોતાનું આગવું સ્થાન જળવાઈ રહ્યું છે. દિવાળીના પર્વે આવી બજારોમાં થતી ખરીદી
માત્ર જરૂરિયાત પૂરી કરવાનું માધ્યમ નથી, પરંતુ મર્યાદિત સાધનો
વચ્ચે પણ તહેવારની ખુશીઓ માણવાની તક પૂરી પાડે છે.