ભુજ, તા. 31 : ગ્રામીણ યુવાનો માટે નવી તકોના
નિર્માણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની ભૂમિકાને ઓળખીને,
જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટે તેના ફ્લેગશિપ કાર્યક્રમ `િવદ્યા જ્યોત' દ્વારા અંતરિયાળ સમુદાયોના વિદ્યાર્થીઓને શૈક્ષણિક
સહયોગ આપ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં,
આ પહેલે 1,500 વિદ્યાર્થીઓને
સશક્ત બનાવ્યા છે. કાર્યક્રમના પાંચમા વર્ષની ઉજવણીના ભાગરૂપે, જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટે કચ્છના માંડવી તાલુકાના
ત્રણ ગામોમાં 220થી વધુ હાઈસ્કૂલના
વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહયોગ અર્પણ કર્યો હતો. આ પહેલ બાડા, મોટા લાયજા અને બાયઠ ગામોની ચાર શાળાઓને આવરી
લે છે. જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નાણાકીય સહયોગથી સ્વદિપ શિક્ષણ વિકાસ સંસ્થા દ્વારા
અમલીકરણ કરાયું હતું. આ પહેલના ભાગરૂપે, શાળા વિકાસ સંકુલના કન્વીનર
બ્રિજેશ પટેલે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સત્ર યોજ્યું હતું. જેમાં આગામી બોર્ડ પરીક્ષાઓ
માટે વિગતવાર માહિતી શેર કરી હતી. આ સત્રનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો,
તેમની પરીક્ષાની તૈયારીઓને મજબૂત કરવાનો અને તેમને આત્મવિશ્વાસ સાથે
તેમના શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પહેલને મોટા લાયજા હાઈસ્કૂલના આચાર્ય
ઘનશ્યામ પટેલ, બાડાની માધ્યમિક શાળાના
આચાર્ય રશેષ રાવલ, બાડાની
ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય નીલમબેન સાનેપારા અને બાયઠની હાઈસ્કૂલના આચાર્ય ભાવિન
પ્રિયદર્શીએ બિરદાવી હતી. જીએચસીએલ ફાઉન્ડેશનમાંથી કલ્યાણભાઈ ગઢવીએ શિક્ષણને વધારે
મજબૂત બનાવવા માહિતી આપી હતી. સ્વદીપ શિક્ષણ વિકાસ સંસ્થાના વિદ્યાજયોત પ્રોજેક્ટ કોર્ડીનેટર
શૈલેષ ગઢવીએ વ્યવસ્થા સંભાળી હતી. આ કાર્યક્રમમાં બાડા ગામના સરપંચ વિરજી કોલી,
હાસબાઈબેન ગઢવી, પરબત વાઘેલા, રશ્મિકાબેનએ હાજરી આપી હતી.