• રવિવાર, 01 નવેમ્બર, 2026

કાશ્મીરના સીએમની સત્તા પણ ડગમગી ?

શ્રીનગર, તા. 31 : જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તાર બાદ નેશનલ કોન્ફરન્સની અંદર તીવ્ર અસંતોષ અને બળવાખોરીનો સૂર ઉઠ્યો છે. શુક્રવારે સાંજે શ્રીનગરમાં વિધાયક કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને અસંતુષ્ટ ધારાસભ્યોની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 18 ધારાસભ્યો પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા, જ્યારે છ ધારાસભ્યો વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા. આ સાથે જ અસંતુષ્ટ જૂથમાં કાશ્મીર ઘાટી અને જમ્મુ બંને વિસ્તારના મળી કુલ 24 ધારાસભ્યો એકઠા થઈ જતાં ઉમર અબ્દુલ્લા સરકારની ચિંતા વધી ગઈ છે. બળવાખોર ધારાસભ્યોની સલાહકારને હટાવવાની માંગ: મુખ્યમંત્રીના સલાહકાર નાસિર અસલમ વાનીને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે. ઉપમુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી સહિત કેટલાક મંત્રીઓને બરખાસ્ત કરવામાં આવે અને મંત્રીમંડળનું સંપૂર્ણ પુનર્ગઠન થાય. જે મંત્રીઓએ પોતાના હોદ્દા પર બે વર્ષ પૂરા કર્યા છે તેમને હટાવીને નવા ચહેરાઓને તક આપવામાં આવે. બેઠક દરમિયાન કેટલાક સિનિયર ધારાસભ્યો ભાવુક થઈ ગયા હતા અને પક્ષના નેતૃત્વ તથા મુખ્યમંત્રીના સલાહકાર દ્વારા તેમની સાથે કરવામાં આવેલા અન્યાયી વર્તનની કેફિયત રજૂ કરી હતી. ધારાસભ્યોએ એક પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરીને પોતાની માંગણીઓ મુખ્યમંત્રી સમક્ષ મૂકવાનો નિર્ણય કર્યો છે. અસંતુષ્ટ નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પક્ષના વિરોધમાં નથી પરંતુ હવે બધું પહેલા જેવું સામાન્ય રીતે ચાલી શકશે નહીં. 90 સભ્યો ધરાવતી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ પાસે 41 ધારાસભ્યો છે અને તેમને કોંગ્રેસના છ ધારાસભ્યો તથા કેટલાક અપક્ષોનું સમર્થન પ્રાપ્ત છે. જો આ 24 ધારાસભ્યોનો બળવો શાંત નહીં થાય તો ઉમર અબ્દુલ્લા સરકાર અલ્પમતમાં આવી શકે છે અને વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. બીજી તરફ, નેશનલ કોન્ફરન્સના શ્રીનગરના સાંસદ આગા રુહુલ્લાએ પણ જાહેરાત કરી છે કે તેઓ પોતાની સંસદીય સીટ અને પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી દેશે. મુખ્યમંત્રી અબ્દુલ્લા સાથે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ તેમણે પક્ષથી અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો છે, જેનાથી નેશનલ કોન્ફરન્સમાં મોટું રાજકીય સંકટ ઊભું થયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd