નવી દિલ્હી, તા. 31 : ઇન્ડિયન સ્પેસ
રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) દ્વારા અવકાશ ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાંસલ કરવામાં
આવી છે. ઈસરોએ દેશના સ્વદેશી નેવિગેશન સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે એનવીએસ-03 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું
છે. આ સેટેલાઇટને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ-2 પરથી જીએસએલવી-એફ18 રોકેટ દ્વારા 30મી ઓક્ટોબર રાત્રે 11:51 વાગ્યે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં
આવ્યો હતો. ઉપગ્રહોનો ઉપયોગ મોબાઇલ ફોન પર દિશાઓ શોધવા, વાહનનું સ્થાન ટ્રેક કરવા અથવા સમુદ્રમાં જહાજની
દિશા ટ્રેક કરવાથી લઈને દરેક વસ્તુ માટે થાય છે. આનાથી દેશના સશસ્ત્ર દળો માટે વધુ
સારું અને વધુ સચોટ નેવિગેશન મળશે. જ્યારે વિશ્વભરના ઘણાં દેશો નેવિગેશન માટે અમેરિકન
જીપીએસનો ઉપયોગ કરે છે ત્યારે ભારત પણ પોતાની નેવિગેશન સિસ્ટમને મજબૂત બનાવી રહ્યું
છે. આ પણ મહત્ત્વપૂર્ણ છે જેથી આપણા દળોને યુદ્ધની પરિસ્થિતિમાં ચોક્કસ સ્થાન અને નેવિગેશન
માટે વિદેશી સ્રોતો પર આધાર રાખવો ન પડે. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતની પોતાની નેવિગેશન
સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે.