પેપર લીક થવાના વિરોધમાં થયેલાં આંદોલનની સફળતા બાદ દેશમાં વિવિધ
આંદોલનનો વાયરો છે. ચૂંટણીપંચની કાર્યવાહી સામે થયેલા સંશયોને પ્રજાએ થોડા અંશે કાને
પણ ધર્યા, પરંતુ વિપક્ષો એમ માનીને આક્રમક બની રહ્યા છે
કે, રસ્તા પર ઊતરીને સરકારને ભીંસમાં લાવી શકાશે. હવે કેન્દ્ર
સરકારના પૂર્વમંત્રી હરદીપસિંહ પુરીની તસવીરોનો વિવાદ છેડાયો છે. વિવાદિત વ્યક્તિત્વ
જેફરી એપસ્ટીન સાથે તેમની તસવીરો વાયરલ થયાના બીજા જ દિવસે વિપક્ષ તૂટી પડયો છે. જો
કે, જ્ઞાનેશકુમારની સામે ફાટી નીકળેલા જુવાળ જેટલી સફળતા અહીં
મળી નથી, કારણ કે ઘટનાનાં તથ્યો વિરોધ પક્ષની વાતો સાથે મેળ ખાતાં
નથી. આ મુદ્દો લાંબો ચાલશે પણ નહીં તે નક્કી છે. એપસ્ટીન ફાઈલનો મુદ્દો થોડા સમય પૂર્વે
ઘણો ચગ્યો હતો અને દેશના શીર્ષ નેતાઓના તેમાં નામ હતાં. બે દિવસ પૂર્વે એપસ્ટીનની સાથે
દેશના પૂર્વમંત્રી હરદીપસિંહ પુરી બેઠા હોય તેવી તસવીરો વાયરલ થઈ. વિપક્ષને ફરી એક
મુદ્દો જડી ગયો. આ મુલાકાત સામે અણિયાળા સવાલો પુછાયા. શિવસેનાના નેતા સંજય રાઉતે તો
સીધો સવાલ કર્યો કે, હરદીપ શા માટે એપસ્ટીનને એકલા મળ્યા,
શું તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ સંદેશ લઈને ગયા હતા, આ ફાઈલનો વિવાદ ચરમ પર હતો ત્યારે વડાપ્રધાનનાં નામની ચર્ચા પણ વિપક્ષોએ ઘણી
કરી હતી. સંજય રાઉતના સવાલના સંકેત સ્પષ્ટ છે. કોંગ્રેસ, તૃણમૂલ
કોંગ્રેસે પણ આ મુદ્દે તીર છોડવાની તક મૂકી નથી. વિપક્ષનું એ કામ છે કે, સરકારની ગતિવિધિ પર નજર રાખે. જો યોગ્ય પુરાવા હોય, નક્કર
માહિતી હોય તો વિરોધ કરવો જ જોઈએ, પરંતુ જે વિરોધનો કોઈ નિષ્કર્ષ
ન હોય તેને મુદ્દો બનાવવાથી તેની પોતાની જ છબી ખરડાઈ શકે. અહીં એ સ્પષ્ટતા સરકાર તરફથી
થઈ છે કે, આ વાયરલ ફોટો હરદીપસિંહ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના
રાજદૂત હતા ત્યારનો છે. આ મુલાકાત કૂટનીતિક અને વ્યાવસાયિક સંદર્ભે હતી તેમાં એપસ્ટીનના
કોઈ કારનામાનો ઉલ્લેખ નહોતો. સૌથી અગત્યનું એ છે કે, આ મુલાકાત
વર્ષ 2013-2014ની છે. તે સમયે હરદીપસિંહ પુરી
ભાજપના કેન્દ્રીય મંત્રી નહોતા કે વડાપ્રધાન કાર્યાલય સાથે જોડાયેલા નહોતા તેથી વડાપ્રધાનનો
સંદેશ લઈને તેઓ ગયા હતા, તેવો પ્રશ્ન
જ કોઈ સ્થાન ધરાવતો નથી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કે કોર્ટે જે દસ્તાવેજો જાહેર
કર્યા છે તેમાં ક્યાંય હરદીપસિંહ પુરીનો ઉલ્લેખ નથી. કોઈ પણ ઉચ્ચ અધિકારી, કોઈ
રાજદ્વારી કે મંત્રી પણ ક્યારેય જાહેર સમારંભમાં કે કોઈ બેઠકમાં કોઈ પણને મળી શકે,
તે વ્યક્તિની છાપ યોગ્ય ન હોય તેવું બને, પરંતુ
મળનારનો ઈરાદો પણ મલીન જ છે તેવું તેના ઉપરથી કહી શકાય નહીં. ગુનેગારની સાથે ફોટો હોય
તે વ્યક્તિ પણ ગુનાહિત પ્રવૃત્તિ જ કરતો હોય તેવું જરૂરી નથી. હરદીપસિંહ પુરીની તસવીરો
ચોક્કસ સવાલ ઉઠાવવાનો વિષય છે, પરંતુ તેના માટે વિપક્ષ પાસે આધાર
પણ હોવા જોઈએ. ફક્ત ફોટોના આધારે નૈતિક પતન કે ગુનાહિત કાર્ય તરફ સંકેત કરવો તે પરિપક્વતાની
નિશાની નથી, તે હવાતિયાં છે.