નવી દિલ્હી, તા.
28 : ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં નીતીશ કુમારે શાનદાર બેટિંગ કરી છે. તેણે શનિવારે મેચના
ત્રીજા દિવસે સદી કરી હતી. 21 વર્ષીય ખેલાડીની આ પહેલી ટેસ્ટ સદી છે. તે ઓસ્ટ્રેલિયામાં
પહેલી ટેસ્ટ સદી કરનારો ત્રીજો સૌથી યુવા ભારતીય બન્યો છે. તેણે 76 વર્ષ જૂનો રેકોર્ડ
તોડયો છે. નીતીશે 21 વર્ષ, 216 દિવસની ઉંમરમાં ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર સદી કરી છે.
તેણે દત્તુ ફડકરને પાછળ રાખ્યા છે. જેઓએ 1948માં 22 વર્ષ 46 દિવસની ઉમરે ટેસ્ટ સદી
કરી હતી. સચિન તેંડુલકરે 1991-92માં 18 વર્ષની વયે સદી ફટકારી હતી. નીતીશથી ઓછી ઉંમરના
માત્ર બે ખેલાડીએ આઠમા કે તેથી નીચેના ક્રમે આવીને સદી કરી છે. આ યાદીમાં બાંગલાદેશનો
અબુલ હસન અને ભારતના અજય રાત્રાનું નામ સામેલ છે. નીતીશ ઓસ્ટ્રેલિયામાં નંબર આઠ કે
તેથી નીચે આવીને સદી કરનારો પહેલો ભારતીય ક્રિકેટર બની ગયો છે. તેને આ મામલે અનિલ કુંબલેને
પછાડયો છે. જેણે 2008માં એડિલેડ ટેસ્ટમાં 87 રનની ઈનિંગ્સ રમી હતી. નીતીશ અને સુંદરની
જોડીએ ઓસ્ટ્રેલિયામાં આઠમી વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારીનો ભારતીય રેકોર્ડ પોતાનાં
નામે કર્યો છે. બંનેએ કુંબલે અને હરભજનનો રેકોર્ડ તોડયો છે, જેઓએ 2008માં 127 રનની
ભાગીદારી કરી હતી. વધુમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટની એક ઇનિંગ્સમાં આઠમા અને નવમા બેટ્સમેન
દ્વારા બીજી વખત 50 પ્લસનો સ્કોર કરવામાં આવ્યો છે.