ભુજ, તા. 28
: માંડવી તાલુકાના ત્રગડી પાસે આજે સવારે છકડો પલટતાં ચાલક કાસમ હુસેન પારા (માંડવી)નું
મોત નીપજ્યું હતું, જ્યારે છકડામાં કાંડાગરા નોકરી અર્થે જતા છ શખ્સ ઘાયલ થયા હતા.
બીજી તરફ કિડાણામાં 42 વર્ષીય આધેડ દેવજીભાઇ બાવજીભાઇ દાફડાએ જ્યારે સતાપરમાં 35 વર્ષીય
પરિણીતા શાંતિબેન હરિભાઇ ઉંદરિયાએ અને ભુજ તાલુકાના ખાવડા પાસા ખારીમાં 30 વર્ષીય પરિણીતા
સોનબાઇ રાણા મારવાડાએ ગળેફાંસા ખાઇ પોતાના જીવ દીધા હતા. માંડવી રહેતા મોહસીન ઇસ્માઇલ
સંઘારે માંડવી મરીન પોલીસ મથકે નોંધાવેલી વિગતો મુજબ આજે સવારે તે તથા જુબેર કાસમ સંઘાર,
રિઝવાન મેર, મોહમદ અગરિયા, ઇર્શાદ રાયમા, સાજીદ ગની રાયમા તથા કાસમ હુસેન પારા (રહે.
તમામ માંડવી) કાસમ પારાના આપે છકડા નં. જી.જે. 12-એ.યુ. 1237માં બેસીને કાંડાગરા ખાતે
કંપનીમાં નોકરી અર્થે જતા હતા, ત્યારે ત્રગડીથી આગળ જતા માર્ગ આડે કૂતરું આવતાં છકડાચાલક
કાસમે કાબૂ ગુમાવતાં છકડો પલટી મારી ગયો હતો. આથી બધાને માંડવી હોસ્પિટલમાં સારવાર
અર્થે ખસેડાયા હતા. છકડાચાલક કાસમને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું,
જ્યારે ફરિયાદીને માથા તથા પગના ભાગે અને અન્યોને સામાન્ય ઇજા થઇ છે. પોલીસે ફરિયાદ
નોંધી કાર્યવાહી આદરી છે. ગાંધીધામ તાલુકાની કિડાણા સોસાયટી જયનગર ખાતે રહેતા દેવજીભાઇ
દાફડાએ કોઇ અગમ્ય કારણે ગઇકાલે સાંજે સેફટી બેલ્ટથી ગળેફાંસો ખાઇ લેતાં તેને રામબાગ
હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ગાંધીધામ બી-ડિવિઝન
પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી કાર્યવાહી કરી છે. બીજી તરફ અંજાર તાલુકાના સતાપર
ગામે રહેતા 35 વર્ષીય પરિણીતા શાંતિબેન હરિભાઇ ઉંદરિયાએ પારિવારિક ચિંતાના કારણે ગઇકાલે
સવારે પોતાના ઘરે ગળેટૂંપો ખાઇ લેતાં તેને સારવાર અર્થે અંજારના સામૂહિક આરોગ્ય કેન્દ્ર
ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી
કાર્યવાહી આદરી છે. દરમ્યાન ભુજ તાલુકાના સરહદી ક્ષેત્રના ખાવડા પાસેના ખારી ગામમાં
રહેતા 30 વર્ષીય પરિણીતા સોનબાઇ રાણા ખેતા મારવાડાએ આજે સવારે પોતાના ઘરે કોઇ અગમ્ય
કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે ખાવડાની સરકારી હોસ્પિટલમાં લઇ અવાતાં
ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. ખાવડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી
કરી હતી.