નવી દિલ્હી, તા.
28 : ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે
ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કપરી પરિસ્થિતિ વચ્ચે સંયમ બતાવીને શાનદાર બેટિંગ કરી
હતી. મેચમાં સદીવીર નીતીશ કુમાર રેડ્ડી (105 રને દાવમાં)ના દમ ઉપર ભારતે ત્રીજા દિવસના
અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાના 474 રનની સામે નવ વિકેટનાં નુકસાને 358 રન કરી લીધા હતા.
બન્નેએ શનિવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી કરી
હતી. આઠમા નંબરે આવેલા નીતીશે સદી અને નવમા ક્રમાંકે આવેલા વોશિંગ્ટને અર્ધસદી ફટકારતા
ભારત ફોલોઓન થતા પણ બચ્યું હતું. નીતીશે 176 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી
105 રન કર્યા હતા અને હજી પણ નોટઆઉટ હતો. આ નીતીશની પહેલી ટેસ્ટ સદી છે. બીજી તરફ વોશિંગ્ટને
162 બોલમાં 50 રન કર્યા હતા. તેણે માત્ર 1 ચોગ્ગો ફટકાર્યો હતો. નીતીશની પુષ્પા અને
બાહુબલી સ્ટાઈલની ઉજવણી ચર્ચામાં રહી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાના 474 રનના જવાબમાં ભારતે
પહેલી ઇનિંગ્સમાં 116 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 358 રન કરી લીધા છે. ત્રીજા દિવસના
અંત સમયે નીતીશ 176 બોલમાં 105 રન રન કરીને દાવમાં રહ્યો હતો જ્યારે મોહમ્મદ સિરાજ
7 બોલમાં બે રન જોડીને નોટઆઉટ હતો. મેચમાં હજી પણ ઓસ્ટ્રેલિયાના પહેલા દાવના સ્કોરથી
116 રન પાછળ છે. મેચ 12.46 વાગ્યા સુધી રમાવાનો હતો પણ ખરાબ રોશનીનાં કારણે મેચને રોકવામાં
આવી હતી. આ સમયે અંદાજિત 20 ઓવર ફેંકાવાની બાકી હતી. બાદમાં વરસાદની પણ એન્ટ્રી થઈ
જતાં ત્રીજા દિવસનો અંત વહેલો કરી દેવામાં આવ્યો હતો. નીતીશ અને વોશિંગ્ટને આ દરમિયાન
એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. જે ઓસ્ટ્રેલિયા ઉપર ભારે છે. હકીકતમાં 147 વર્ષના ટેસ્ટ
ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે એક ઇનિંગ્સમાં નંબર-8 અને નંબર-9ના
બેટ્સમેનોએ 150થી વધારે બોલનો સામનો કર્યો છે. નીતીશ અને સુંદરની જોડીએ સાથે જ ઓસ્ટ્રેલિયામાં
આઠમી વિકેટ માઠે બીજી સૌથી મોટી ભાગીદારીનો ભારતીય રેકોર્ડ પોતાનાં નામે કર્યો છે.
સચિન તેંડુલકર અને હરભજનનો રેકોર્ડ તૂટતા બચ્યો હતો. જેઓએ 2008માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં
આઠમી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી.