નાડાપા (તા. ભુજ),
તા. 28 : કૃષ્ણ ભગવાનની આરાધનાનો એક ભાગ રાસ પણ છે, ત્યારે તાજેતરમાં દ્વારકા ખાતે
આયોજિત આહીરાણીઓ દ્વારા રમાયેલો મહારાસ અને તેના જેવું જ દૃશ્ય ઊભું થાય તે અર્થે મહારાસનાં
એક વર્ષ પૂર્ણ થતાં નાડાપા ગામમાં મહિલા મંડળ દ્વારા `મહારાસ'નું આયોજન
થયું હતું. રાત્રે મહારાસ દિવાળીબેન આહીરના સંચાલન હેઠળ યોજાયો હતો. નાડાપા ગામ મહિલા
મંડળ તથા સમસ્ત નાડાપા ગ્રામજનો દ્વારા દિવસના ગામના મંદિરોમાં ધ્વજારોહણ, ગાયને ઘાસચારો,
પક્ષીઓને ચણ જેવાં સેવાકાર્યો થયાં હતાં. સાંજે સાધુસંતોનાં સામૈયા તમામ વર્ગના લોકો
માટે સમરસતાના ભાવ સાથે સમૂહપ્રસાદ અને રાત્રે દિવાળીબેન આહીર, દિપાલીબેન ગઢવીના સ્વરમાં
રાસગરબાની રમઝટ જામી હતી. આ કાર્યક્રમમાં રૂા.પાંચ લાખ જેટલી રકમ મહીલાઓ દ્વારા એકત્રિત
કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા ખાતે ગત વર્ષે યોજાયેલ મહારાસની નોંધ વિશ્વસ્તરે
લેવાઇ હતી. પરંપરાગત પહેરવેશ, માનમર્યાદા અને મોભો જાળવી કૃષ્ણભક્તિમાં લીન મહારાસનો
અદ્ભુત માહોલ નાડાપામાં જોવા મળ્યો હતો.