વિશેષ પ્રતિનિધિ તરફથી : મુંબઈ, તા. 28 : સદ્ગત ડો. મનમોહન સિંહ વડાપ્રધાન હતા, ત્યારે અવારનવાર અપમાન થવા છતાં યુપીએ સરકારને ટકાવી રાખવા માટે એમણે કડવા ઘૂંટડા ગળ્યા હતા. હવે એમને મરણોત્તર સન્માન આપવાની જાણે સ્પર્ધા થઈ રહી છે. હકીકતમાં મરણોત્તર રાજકારણ શરૂ થયું છે! એમનું સ્મારક રચાય એવા સ્થળે - અર્થાત રાજઘાટ - જ્યાં રાષ્ટ્રપિતાનું સ્મારક છે તે વિસ્તારમાં ડો. સિંહના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થાય અને તે સ્થળે જ સ્મારક બને એવી માગણી થઈ. કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં આ વિશે ચર્ચા થઈ, ત્યારે પ્રિયંકા વડરા ગાંધીએ સૂચન કર્યું કે રાજીવ ગાંધીના સ્મારક વીરભૂમિ અથવા ઇન્દિરા ગાંધીના સ્મારક - શક્તિ સ્થળના પરિસરમાં એક પ્લોટ ફાળવી શકાય. આ પછી કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદી સાથે વાત કરી અને પછી પત્ર લખ્યો કે ડૉ. સિંઘની પ્રતિભા મુજબ યોગ્ય જગા ફાળવાય. આ પછી સરકારે કૉંગ્રેસને જણાવ્યું કે યોગ્ય સ્મારકનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્મારકનું સ્થળ નક્કી થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર રોકી રાખવા? સ્મારક માટે અલગ ટ્રસ્ટ બનાવાય અને પછી ભૂમિ - જમીન ફાળવાય. ખડગે પણ આ વાસ્તવિકતા સાથે સંમત હતા પણ પછી કૉંગ્રેસે ફેરવી તોળ્યું : ભારતના પ્રથમ શીખ વડા પ્રધાનનું જાણીબૂઝીને અપમાન કરવામાં આવે છે! વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે કૉંગ્રેસ પ્રમુખને સમજાવ્યા કે સ્મારક હોવું જોઈએ તે બાબત સરકાર સંમત છે. આમ છતાં વિવાદ વધે તેવા સ્ટેટમેન્ટ શરૂ થયાં. કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ડૉ. મનમોહન સિંઘની પ્રતિભાને છાજે એવું સ્થળ શા માટે શોધી શકાતું નથી - એ દેશના લોકોને સમજાતું નથી. આ એક પ્રથમ શીખ વડા પ્રધાનનું મરણોત્તર અપમાન જ છે! લોકસભાના કૉંગ્રેસી સભ્ય મનિષ તિવારીએ પણ કહ્યું પંજાબના એક પનોતાપુત્રને યોગ્ય સન્માન મળવું જોઇએ. શિરોમણી અકાલી દળના નેતા સુખબીરસિંઘ બાદલે તો કહ્યું - આ બાબત આઘાતજનક માનવામાં આવે નહીં તેવી છે. કેન્દ્ર સરકારે સ્મારક બનાવવાનો ઇનકાર કર્યો છે. પરિવારની માગણીનો અસ્વીકાર કર્યો છે. ભાજપ સરકાર આટલી હદે જશે એવું માનવામાં આવતું નથી. અમારે કૉંગ્રેસ સાથે મતભેદ છે પણ ડૉ. સિંઘ માટે અમને અનહદ આદર છે - વડા પ્રધાન મોદીએ દરમિયાનગીરી કરીને નિર્ણય બદલવો જોઇએ.' હકીકતમાં તો રાજકારણ આટલી હદે ગયું છે! રાજધાનીમાં રાજઘાટ પછી નેહરુનું સ્મારક શાંતિ વન, શાત્રીજીનું વિજયઘાટ અને ઇન્દિરાજીના શક્તિ સ્થળ નજીક રાજીવ ગાંધીનું વીરભૂમિ સ્મારક છે. આ પછી બાબુ જગજીવનરામ અને ચૌધરી ચરણસિંહના સ્મારકની માગણી થઈ ત્યારે જણાવાયું કે આ રીતે દિલ્હી સ્મશાનભૂમિ બની જશે. વર્ષ 2000માં આ નિર્ણય લેવાયો. વર્ષ 2013માં યુપીએની સરકાર - વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ હતા ત્યારે નિર્ણય લેવાયો કે `અલગ રાષ્ટ્રીય સ્મૃતિ' પરિસરમાં જ સ્મારક બની શકે. અટલ બિહારી વાજપેયીજીનું સ્મારક પણ `રાષ્ટ્રીય સ્મૃતિ'માં છે. સન્માન - અપમાનની વાત થાય છે ત્યારે - ડિસેમ્બર 2004માં નરસિંહ રાવના અવસાન પછી એમના મૃતદેહને કૉંગ્રેસ કાર્યાલયમાં પણ પ્રવેશ અપાયો નહીં અને બહાર ફૂટપાથ ઉપર મૃતદેહ હતો અને એમના પરિવારના સભ્યો આન્ધ્રપ્રદેશથી આવ્યા હતા! ડૉ. મનમોહન સિંઘ વડા પ્રધાન બન્યા તે પહેલાં નરસિંહરાવે એમને નાણાપ્રધાન બનાવ્યા અને આર્થિક સુધારાનું જોખમ રાવે લીધું હતું. પણ કૉંગ્રેસમાં પરિવારવાદ હોય નહીં તેથી સોનિયાજી હાંસિયામાં હતાં - પણ ડૉ. સિંઘ મૌન રહ્યા - નરસિંહરાવ પણ પૂર્વ વડા પ્રધાન હતા - એમનું મરણોત્તર અપમાન થયું કે નહીં? વર્ષ 2015માં એનડીએ સરકારે એકતા સ્થળ સમાધિ પરિસરમાં એમનું સ્મારક બનાવ્યું અને મરણોત્તર `ભારત-રત્ન'થી સન્માન કર્યું.