• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

મેહબૂબા મુફ્તીનો દેશદ્રોહ

બાંગલાદેશમાં હિન્દુ સમુદાય વિરોધી ચાલુ રહેલી હિંસા અને દેશદ્રોહના આરોપ હેઠળ ઈસ્કોનના સંતોની થયેલી ધરપકડના વિરોધમાં દુનિયાભરનાં ઈસ્કોન મંદિરોમાં વિશેષ પ્રાર્થના અને કીર્તન થયાં છે. કટ્ટરપંથીઓ બાંગલાદેશને હિંસાના માર્ગે હિન્દુ અને બીજી લઘુમતીઓ ઉપરાંત સંપૂર્ણ બાંગલાદેશને આત્મહત્યા ભણી ધકેલી રહ્યા છે.બાંગલાદેશમાં હિન્દુઓ પર હિંસાચારથી સ્થિતિ બદતર થતી હોવા છતાં વિશ્વના મોટા ભાગના દેશો મૌન ધારણ કરી બેઠા છે! બાંગલાદેશની મોહમ્મદ યુનુસ સરકાર બ્રિટિશ સર્વપક્ષીય મંચના એક રિપોર્ટથી પરેશાન છે, જેમાં નવી વચગાળાની સરકારની `પ્રભાવકતા' પર સવાલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાયદાનો રાજનીતિક હથિયાર તરીકે ઉપયોગ કરવાની સંસ્કૃતિને સમાપ્ત કરવા અને માનવાધિકારો અને કાયદાનું શાસન જાળવી રાખવાની જરૂર છે. બાંગલાદેશમાં આવી સ્થિતિ છે, ત્યારે તેને પીડીપી પ્રમુખ મેહબૂબા મુફ્તી અલગ જ ચશ્માંથી જોઈ રહ્યાં છે તે કમનસીબી છે. એમણે સંભલ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને ભારતમાં લઘુમતીની સ્થિતિની સરખામણી બાંગલાદેશ સાથે કરવાનો પ્રયાસ કરી નવા વિવાદને ભડકાવ્યો છે. મેહબૂબા કહે છે કે, મને ડર છે કે 1947માં જે સ્થિતિ હતી, એ જ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. મંદિરની શોધમાં મસ્જિદો તોડી પાડવામાં આવી રહ્યાં છે. મહેબૂબાને ભારત અને બાંગલાદેશમાં કોઈ અંતર લાગતું નથી. મેહબૂબા મુફ્તીનું નિવેદન ભારતને બદનામ કરવાની ચાલ છે! 1947માં દેશના વિભાજન વખતે સ્થિતિ હતી એવી કોઈ સ્થિતિ આજના ભારતમાં નથી. મસ્જિદોના સર્વે અને વિવાદાસ્પદ માળખાંની સમીક્ષા કોર્ટના આદેશથી જ લેવામાં આવે છે. ફક્ત કટ્ટરપંથીઓ-ધર્માંધો મુસ્લિમ ખતરામાં છે, એવો પ્રચાર કરીને દેશમાં અશાંતિ ઊભી કરી રહ્યા છે. મેહબૂબા મુફ્તીનાં વતન કાશ્મીરમાં પણ શાંતિ છે. પાકિસ્તાનના પાળેલા આતંકવાદીઓનો કેર મેહબૂબાને દેખાતો નથી. મેહબૂબા મુફ્તીએ સૌપ્રથમ બાંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને ખુલ્લી રીતે વખોડી કાઢી પોતાની નિષ્પક્ષતા અને ભારત પ્રતિ વફાદારી પૂરવાર કરવી જોઈએ. અહીં સૌથી ખતરનાક એ વાતનો ઉલ્લેખ કરવો ઘટે કે મોહમ્મદ યુનુસ હિન્દુઓ પર થઈ રહેલા અગણિત હુમલાને બાંગલાદેશની વિરુદ્ધ આધારહીન દુપ્રચાર ગણાવે છે અને હવે મેહબૂબા મુફ્તી તેમનું સમર્થન કરી પોતાના હિન્દુ વિરોધના ભારતદ્રોહી વિચારોનું ખુલ્લું પ્રદર્શન કરી રહ્યાં છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd