• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

સંઘર્ષ-વિરામથી શાંતિની આશા

લેબેનોનમાં હિઝબુલ્લાહ અને પેલેસ્ટાઇનમાં હમાસ એમ બે મોરચે જંગ ચલાવી રહેલાં ઇઝરાયલે હવે એક મોરચે સંઘર્ષ-વિરામ માટે સંમતિ બતાવીને પશ્ચિમ એશિયામાં શાંતિની શક્યતાની આશા જગાવી છે. આમ તો ગયાં વર્ષથી હમાસની સામે ઇઝરાયલે ગાઝામાં જે રીતે ભીષણ આક્રમણ છેડયું છે અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ આતંકી જૂથોનો સફાયો કરવાની અડગ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, તેના પરથી લેબેનોનના મોરચે આવા કોઇ સંઘર્ષ-વિરામની સંમતિ સાધી શકાશે નહીં એવી પ્રબળ અટકળો હતી, પણ લેબેનોનની ધરતી પરથી ઇઝરાયલ પર હુમલા કરીને ઉશ્કેરાટ જગાવતાં હિઝબુલ્લાહને પાઠ ભણાવવા હુમલા શરૂ કરનારી ઇઝરાયલી સેનાએ નમતું ન જોખવાનો મક્કમ ઇરાદો દુનિયાને બતાવી આપ્યો હતો. આ તો અમેરિકાની મધ્યસ્થી અને ફ્રાંસની ભૂમિકાને લીધે નેતન્યાહુ હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ-વિરામ માટે સંમત થયા છે. આ સંઘર્ષ-વિરામના કરાર સાથે 13 મહિનાથી ચાલતો જંગ હવે થંભી રહ્યો છે. ઇઝરાયલના હવાઇ હુમલાના ઓથાર તળે ઉચાળા ભરી ચૂકેલા લેબેનોનવાસીઓ હવે તેમનાં ઘરોમાં પરત ફરવા શરૂ થઇ ગયા છે.  જો કે, આ સંઘર્ષ-વિરામને હિઝબુલ્લાહના અમુક નેતાઓ પોતાનો વિજય ગણાવીને ઉજવણી કરવા લાગતાં તેના દ્વારા ઉશ્કેરાટ ફેલાય એવી ભીતિ સર્જાવા લાગી છે. જે હોય તે, પણ નેતન્યાહુનું માનવું એમ છે કે, હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ-વિરામ થવાથી હવે હમાસ એકલું પડી જશે અને તેને ખતમ કરવા પર વધુ ધ્યાન આપી શકાશે. જો કે, નિષ્ણાતો માને છે કે, લેબેનોનમાં સંઘર્ષને વિરામ આપીને હવે ઇઝરાયલ ઇરાન પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્યાંથી કાર્યરત હમાસ અને હુતી સંગઠનોની ઉપર આક્રમણ કરવાનો વ્યૂહ અમલમાં મૂકી શકે છે. આમ, લેબેનોનમાં શાંતિ માટેની પહેલ આગળ જતાં અન્ય મોરચો ખોલવામાં પરિણમે એવી ગણતરી પશ્ચિમી એશિયાની શાંતિ માટેની આશાને ઠગારી બનાવી શકે તેમ છે. જો કે, બધો આધાર નેતન્યાહુનાં વલણ પર રહેશે. થોડા સમય અગાઉ જ્યારે ઇઝરાયલી વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સંબોધન કર્યું, ત્યારે આતંકવાદી જૂથોનો સફાયો કરવાની તેમના ઇરાદામાં રહેલી આક્રમકતા દુનિયાને ધ્રુજાવી જાય તેવી હતી. અમેરિકા છેલ્લાં એક વર્ષથી મથી રહ્યું છે કે, ઇઝરાયલ આ સંઘર્ષનો માર્ગ છોડે, પણ તેમાં તેને નોંધપાત્ર સફળતા મળી નથી. હવે લેબેનોનમાં હિઝબુલ્લાહની સાથે સંઘર્ષ-વિરામ પશ્ચિમ એશિયામાં શાંતિની સ્થાપના માટે ચાવીરૂપ બને એ માટે આ સંધિ અલ્પવિરામની નહીં, પૂર્ણવિરામની બની રહે એ માટે ઇઝરાયલને અસરકારક સમજાવટ અનિવાર્ય બની રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang