• શનિવાર, 08 નવેમ્બર, 2025

કચ્છ સીમાએ સજાગતાની નવા દૃષ્ટિકોણથી મૂલવણી

તંત્રી સ્થાનેથી.. દીપક માંકડ : કચ્છના સીમાવર્તી વિસ્તારની સ્થિતિની જાતમાહિતી મેળવીને પરત જતાં પહેલાં ગુજરાતનો ગૃહખાતાંનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની શુભેચ્છા મુલાકાત દરમ્યાન જે અલપઝલપ વાત થઇ એ ખૂબ અગત્યતા ધરાવે છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન સીમાપારથી થયેલાં ડ્રોન આક્રમણ અને ભારતીય સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીએ કચ્છને સમાચારોમાં ચમકાવ્યું હતું. એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કચ્છની ધરતી પરથી પાકિસ્તાનને લલકાર્યું હતું કે, તે જરાય ગલતફહેમીમાં ન રહે... દેશને જરા સરખો ઉઝરડો થશે, તો તમારાં ઇતિહાસ-ભૂગોળ બદલી જશે. કચ્છની ધરતી, અહીંની રણ અને સમુદ્રી સીમા અનેક નાપાક પેંતરા, ઘૂસણખોરી, દાણચોરી, દેશવિરોધી ગતિવિધિની સાક્ષી રહી છે, તો સુરક્ષા દળોની બહાદૂરી, જાંબાઝ કાર્યવાહીના દાખલાએ અહીંના લોકોએ નિહાળ્યા છે. સમય અને સ્થિતિ ધરમૂળથી બદલાય છે, ત્યારે કચ્છની વ્યૂહાત્મક સ્થિતિની અગત્યતા પારખીને વિશેષ ધ્યાન દેવું આવશ્યક છે. હર્ષ સંઘવી ગુજરાતના ઊભરતા ઉત્સાહી યુવાનેતા છે. ગૃહ રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો એ દરમ્યાન દબાણો સામે નીડર કાર્યવાહી ચલાવી. સરકારમાં નંબર ટુનું પ્રમોશન મેળવ્યા પછી કચ્છના સરહદી ગામોમાં, સીમા ચોકીઓ સુધી જઇને ઝીણવટભરી વાતો કરી. કપૂરાશી ગામમાં રાતવાસોયે કર્યો. શ્રી સંઘવીએ કહ્યું કે, કચ્છ માટે આખો માસ્ટર પ્લાન તૈયાર થશે... રાજ્યના સિનિયર પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરીને વિગતો મેળવાશે. નાયબ મુખ્યમંત્રીએ કચ્છમાં બે દિવસનો વ્યાયામ કર્યો એનો અર્થ બિલકુલ સ્પષ્ટ છે. ગુજરાત અને દેશના આર્થિક વિકાસમાં કચ્છની ભૂમિકા મહત્ત્વની છે. બબ્બે મહાબંદર, વિશાળ ઉદ્યોગોની શૃંખલા, અબજોનું મૂડીરોકાણ, એક સમયે જ્યાં ચકલુંય ન ફરકી શકતું એ રણવિસ્તારમાં એશિયાનો વિશાળ હાઈબ્રિડ એનર્જી પાર્ક, ધમધમતું પ્રવાસન...  ટૂંકમાં કચ્છ હવે સૂકો-સરહદી જિલ્લો લગીરે નથી રહ્યો. એટલે જ આર્થિક કોરિડોર એવા આ ક્ષેત્રની અભેદ સુરક્ષા અનિવાર્ય બની જાય છે. સલામતી સરહદના રખોપાં એ ભલે ફોજનું કામ છે, પણ સરહદી વિસ્તારમાં રહેતા નાગરિકોનીય અમુક વિશેષ જવાબદારી હોય છે. તેમનામાં દેશદાઝની ભાવના છલોછલ જોઈએ... અણછાજતી-શંકાસ્પદ પ્રવૃત્તિઓ, અજાણ્યા લોકોની ગતિવિધિ વિશે તુરત પોલીસતંત્રનું ધ્યાન દોરવાનું હોય છે. વીતેલા દાયકાઓ દરમ્યાન કચ્છ સીમાએ ખબરી એવા નાગરિકોની સજાગતા અને તંત્રની મહેનતને લીધે જાસૂસી પ્રકરણોનીય જાળ ભેદી શકાઈ છે. સરહદી ગામડામાં વસતા લોકોને સજાગ રહેવાની હર્ષભાઈની ટકોર એ જ પરીપેક્ષ્યમાં છે. પોલીસ, સીમાદળ કે એજન્સીઓની પોતપોતાની કામગીરી જવાબદારી હોય છે, નાગરિકો આંખ-કાન ખુલ્લા રાખીને રહેશે, તો કચ્છ-ગુજરાત કે દેશનું હિત જળવાશે. `દુશ્મનનાં પગલાં ઓળખી જવાની ક્ષમતા કચ્છના ગામડાંમાં દરેક લોકોને વર્ષોથી છે.' એમ કહેતાં આ કળા નવી પેઢીને વારસામાં આપીને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવાની હર્ષભાઇની હાકલ નોંધનીય એટલા માટે છે કે, કચ્છ સીમા વિસ્તારમાં રહેતા પગલાં પારખનારા (પગી)ઓએ સરહદના સંત્રીની ભૂમિકા દાયકાઓથી સુપેરે ભજવી છે. કચ્છની ભૂમિ અને ક્રીક સરહદે ચોકીપહેરો મજબૂત બનાવવામાં આવ્યો છે એ રીતે સાગર સીમાએ પણ બાજનજર રાખવાની જરૂર છે. માછીમારીની સિઝનમાં મછવારાના સ્વાંગમાં ઘૂસણખોરી અને આપણા માછીમારોને પાક મરીન દ્વારા રંજાડ જૂની સમસ્યા છે. કોસ્ટગાર્ડની સજાગતાને લીધે તેમાં ઘટાડો થયો છે એ કબૂલવું રહ્યું. એકંદરે પાકિસ્તાન સાથે વિશાળ સીમાથી જોડાયેલી કચ્છ-ગુજરાતની સીમા સુરક્ષાને અત્યાધુનિક સાધનો સાથે જડબેસલાક બનાવવાના રાજ્ય સરકારના પ્રયાસો આવકાર્ય છે. નાયબ મુખ્યમંત્રીએ સીમા સુરક્ષાદળ અને બીજી એજન્સીઓની જરૂરિયાત-સુખ-સુવિધાની પૃચ્છા કરી પરિવારથી જોજનો દૂર રહીને કપરી ફરજ બજાવતા જવાનોને કોઈ તકલીફ ન પડે એવા શ્રી સંઘવીના અભિગમમાં રાજ્ય સરકારની સંવેદનશીલતા છતી થાય છે. જો ધાર્મિક કે અન્ય દબાણો કોઈની સાડાબારી રાખ્યા વિના તોડી પાડવાની ચીમકીથી ખ્યાલ આવે છે કે, આ સરકાર કાયદો વ્યવસ્થાના જતન માટે સજાગ છે. રાજ્યના ગૃહમંત્રીની આ મુલાકાત અસામાજિક પરિબળો માટે પણ ધાક બેસાડનારી બની રહેશે. એક પખવાડિયા પછી દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ કચ્છ આવી રહ્યા છે. 

Panchang

dd