નલિયા , તા.
8 : અબડાસા તાલુકા અને જિલ્લા મથક
ભુજને જોડતા અતિ મહત્ત્વપૂર્ણ માર્ગ પર ભવાનીપર ગામ પાસે આવેલો 48 વર્ષ જૂનો અને 50 મીટર લાંબો પુલ છેલ્લાં ત્રણ
વર્ષથી જર્જરિત છે, જેના કારણે
10થી વધુ ગામના હજારો લોકોને પારાવાર મુશ્કેલીઓનો
સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનો અને એસ.ટી.
બસનાં આવાગમન પર પ્રતિબંધ મૂકાયો છે, જેના પરિણામે એસ.ટી. બસને 36 કિ.મી.નો વધારાનો ફેરો ખાઈને ભુજ પહોંચવું પડે છે. આ પુલ અબડાસા
તાલુકા માટે જીવનરેખા સમાન છે, પરંતુ
તેની જર્જરિત હાલત સ્થાનિકો અને મુસાફરો માટે માથાંનો દુ:ખાવો બની ગઈ છે. પુલ એટલો
જૂનો અને નબળો પડી ગયો છે કે, તેના પરથી પસાર થવું જોખમી બન્યું
છે. ત્રણ વર્ષ પહેલાં ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકાયો હોવાથી મુસાફરોના સમય અને પૈસા
બંનેનો વ્યય થાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકોને, જેઓ
સારવાર કે અન્ય કામકાજ માટે ભુજ જતાં હોય છે, તેમને આ લાંબો ફેરો
ભારે પડી રહ્યો છે. નાના વાહનો માટે પુલનો એક ભાગ ચાલુ છે, પરંતુ
ભાગ પણ એટલો જર્જરિત છે કે, તેના પરથી પસાર થતી વખતે વાહનચાલકો અને મુસાફરોને અકસ્માતનો ભય માથે ઝળુંબતો
રહે છે. સ્થાનિક લોકોના મતે, આ પુલ ગમે ત્યારે મોટી દુર્ઘટના
નોતરી શકે છે. ત્રણ વર્ષથી આ સમસ્યા વણઉકેલી હોવા છતાં, તંત્ર
દ્વારા પુલનાં સમારકામ કે નવા પુલનાં નિર્માણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આથી, સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે આ પુલની
બાજુમાંથી જ વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ કાઢવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે. જો ડાયવર્ઝન
માર્ગ બની જાય, તો એસ.ટી. બસ અને ભારે વાહનો સરળતાથી પસાર થઈ
શકે અને લોકોને 36 કિ.મી.નો
ફેરો ટળી જાય.