• રવિવાર, 09 નવેમ્બર, 2025

લગ્ન પરંપરાને ઉજવણીનો આકાર : કંકોત્રી લેખનથી શરૂ થતી લગ્નયાત્રા

પૂર્વી ગોસ્વામી દ્વારા : ભુજ, તા. 8 : લગ્ન એ માત્ર બે હૃદયનું મિલન નહીં, પરંતુ અનેક વ્યાવસાયોને રોજગાર પૂરું પાડતો અને સામાજિક જોડાણ વધારતો ઉત્સવ છે. દેવઊઠી એકાદશીથી એક લાંબા અંતરાય બાદ લગ્નસિઝનની શરૂઆત થઈ ગઈ છે. કચ્છની બજારોમાં લગ્ન પ્રસંગોનો ધમધમાટ દેખાઈ રહ્યો છે, ત્યારે આવો જાણીએ બજારમાં કેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 10 હજારથી 50 હજાર રૂપિયાનો પ્રસંગદીઠ ખર્ચો કરી લોકો કંકોત્રી લેખન, સગાઈ, પીઠી, મહેંદી વગેરે જેવા પ્રસંગો પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ તમામ પ્રસંગો એકસાથે ઊજવવા હોય, તો અઢીથી ત્રણ લાખ સુધીનો ખર્ચ થઈ જાય છે. અભિનેતા અને એંકર કપિલ ગોસ્વામી અનેક લગ્ન પ્રસંગોએ એન્કારિંગ માટે જતા હોવાથી તેમના અનુભવે એ કહે છે કે, લગ્ન સિઝન માટે કસ્ટમાઈઝ વસ્તુઓનો ટ્રેન્ડ વધ્યો છે, પરંતુ સારી બાબત એ છે કે, યુવાઓ પારંપરિક વિધિને ધામધૂમથી ઊજવવા ઈચ્છે છે, પરંપરાને છેડે મૂકી અર્બન પાશ્ચાત્ય ફેશન છોડી આપણા લગ્ન સંસ્કારનાં મૂળમાં મૂલ્ય ધરાવતી એ તમામ વિધિઓને મહત્ત્વ આપીને, સ્મૃતિમંત બનાવવા આધુનિક ઢબે યુવાઓ ઊજવી રહ્યા છે. - કંકોત્રી લેખન સેરેમની : પહેલાં ફક્ત વિધિ, હવે થીમેટિક ઇવેન્ટ : આ વખતે ખાસ ચર્ચામાં છે `કંકોત્રી લેખન સેરેમની' - જે પહેલાં ફક્ત વિધિ હતી, હવે થીમેટિક ઇવેન્ટ બની ગઈ છે. લગ્ન માટે આમંત્રવાનું કાર્ડ એટલે કંકોત્રી. ગુજરાતી લગ્નમાં ઘરના વડીલો દ્વારા શુભ મુહૂર્તે કંકોત્રી લખીને તમામ પ્રસંગોની શરૂઆત થતી. તેમાં આધુનિકતાએ પગરણ માંડયા છે, તે વિધિમાંથી સમારંભ તરીકે અલગથી ઊજવવાનું શરૂ થયું છે. પૂર્વે મૌખિક આમંત્રણ અપાતું, ધીમે ધીમે ભોજપત્ર અથવા ઝાડની છાલ, કાગળ અને હવે એ કાર્ડ જોવા મળે છે. લગ્નના તમામ પ્રસંગો, વરકન્યા પક્ષની માહિતી, વિધિ મુહૂર્ત, સરનામા સહિતની વિગતો સમાવતી આ કંકોત્રી ગણપતિદાદા સમક્ષ, મંત્રોચ્ચાર વડે, ઘરના વડીલો દ્વારા પૂજન કરી પ્રથમ પોતાના ઇષ્ટને અને પછી સગાવ્હાલાને કંકોત્રી લખવાની વિધિ વર્ષોથી થતી આવે છે, પરંતુ કોવિડ પછી તે કંકોત્રી લેખન સેરેમની તરીકે ધામધૂમથી ઊજવવાનું ચલણ વધ્યું છે. - જૂની પરંપરા યાદગાર બની : ઇવેન્ટ તડકા, ઇવેન્ટ પટારા, આકાર ઇવેન્ટ્સ જેવા ઇવેન્ટ પ્લાનર્સ પ્રસંગને થીમેટિક ઇવેન્ટમાં ફેરવી ડેકોર, લખાણ અને લાગણીના સમન્વયને સાર્થક બનાવે છે. ઇવેન્ટ તડકાની પ્રાચી મહેતાએ જણાવ્યું કે, પરંપરા તો વર્ષો જૂની છે, જેને ઉજવણીનો આકાર આપી દેતાં સમગ્ર લગ્ન સંસ્કારને વધારે યાદગાર બનાવી શકાય છે, પ્રસંગોમાં તે નવું ઉમેરાયેલું પીછું છે. આ સેરેમનીમાં કંકોત્રી લેખનના બાજોટ શણગારીને મૂકવામાં આવે છે, ઘરમાં કે વાડીમાં આ સજાવટ કરી શકાય છે અને પાછળ ક્લાસી ડિઝાઇન કરેલાં બેકડ્રોપ બેનર મૂકવાથી પ્રસંગની જાણ થાય છે.  - હલ્દીમાં યલો થીમની જગ્યાએ મલ્ટિકલર ડેકોરનો ક્રેઝ : દાંડિયારાસ તો હવે લુપ્ત થઈ ગયા, એના બદલે કન્યા-વર બંને પક્ષ એકસાથે સંગીત કાર્યક્રમ યોજે છે, એમાં પણ આજકાલ ટ્રેન્ડ વધ્યો છે કાર્નિવલ પાર્ટીનો. અન્ય એક ખ્યાતનામ પાર્થ શાહ આ અંગે કહે છે કે, આ સમારોહમાં એકલું સંગીત નથી પીરસાતું, તેની સાથે બંને પક્ષે ડાન્સ પર્ફોમન્સ માટે ખાસ તૈયારી કરી હોય છે તે રજૂ થાય છે. એ સિવાય અમારા જેવા એન્કર્સ આખી સેરેમનીને મનોરંજનમાં ઢાળી વિવિધ પ્રવૃત્તિઓ કરાવતા હોય છે, જેમાં પારિવારિક સંબંધોને પ્રેરવા એવોર્ડ વિતરણ, હાસ્યના ફોરા, ગેમ્સ, લાઇવ સંગીત રજૂ થતું હોય છે. ઘણીવાર સંગીત સેરેમની થીમ વાઇઝ ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં બોલીવૂડ કે ટ્રેડિશનલ થીમ મોખરે છે. પીઠીની રસમ નામની રહી ગઈ છે, આજે વરવધૂને હલ્દીથી રંગાવું ગમતું નથી એટલે શુકન જેટલી ચોપડવામાં આવે છે. પીઠીની રસમ હવે હલ્દી કાર્નિવલનાં નામે ઓળખાય છે. જે સંગીત સેરેમનીની જેમ જ વિવિધ પ્રવૃત્તિઓનાં ઉમેરણ સાથે ઊજવાતી હોય છે, તેથી યલો થીમનો ક્રેઝ પણ ઓછો થઈ ગયો છે, એની બદલે લોકો હવે મલ્ટિ કલર સજાવટને પ્રાધાન્ય આપી રહ્યા છે. - બ્રાઈડલ મેકઅપમાં નેચરલ લૂકનો ક્રેઝ : બ્યૂટિશિયન પાયલ રાજગોર જણાવે છે, દુલ્હન હવે હેવી મેકઅપ કરતાં નેચરલ લૂક પસંદ કરે છે. લાઇટ મેકઅપ અને સિમ્પલ હેર સ્ટાઇલ તેમની પહેલી પસંદ છે. બ્રાઈડલ મેકઅપ પેકેજ 5ાંચ હજારથી 50 હજાર સુધી રહે છે. બે મહિના પહેલાંથી સ્કિનકેર અને ડાયટ કન્સલ્ટિંગ પણ શરૂ થાય છે, જેથી આંતરિક તેજ પ્રગટે. આજે ગ્રાહક જાગૃત છે, બ્રાન્ડ કે ટ્રીટમેન્ટની એમને પરખ અને સમજણ છે અને સુંદરતા પ્રત્યે સભાનતા પૂર્વક નિર્ણયો લે છે. તુલસી, નંદની જેવી મહેંદી આર્ટિસ્ટ્સ ચાર હજારથી 15 હજાર સુધી ચાર્જ કરે છે. ડિઝાઇનમાં પરંપરાગત ફિગર્સ, દુલ્હા-દુલ્હન અને મંડપ જેવી આકૃતિઓ ઉમેરાતી હોય, તો બજેટ વધે છે. - ડેકોરેશનથી મહિલાઓને આવક : લગ્ન પ્રસંગો સાથે ગૃહિણીઓ માટે નવી આવકના માર્ગો પણ ખુલ્યા છે. કસ્ટમાઇઝ ગિફ્ટિંગ, ડેકોરેશન અને વિધિ થીમ સાટિંગમાં મહિલાઓ ઘર બેઠાં બે મહિનામાં 50 હજાર સુધીની આવક મેળવી રહી છે. ડેકોર આર્ટિસ્ટ રિદ્ધિ શાહ જણાવે છે, અમે ડેકોરેશન માટે રૂા. 5ાંચ હજારથી 25 હજાર સુધી ચાર્જ લઈએ છીએ. છઠ્ઠી, સિમંત, કંકોત્રી, એંગેજમેન્ટ, પીઠી, મોસાળું જેવા પ્રસંગો માટે અલગ થીમ સેટ કરીએ છીએ. કુલમેળે, કચ્છમાં લગ્નસિઝન હવે માત્ર પરંપરાગત વિધિનો સમય નથી રહ્યો તે પરંપરા સર્જનાત્મકતા અને આધુનિકતાનો રંગીન મેળાવડો બની ગયો છે. 

Panchang

dd