બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય - કેન્દ્રીય મુદ્દો `જંગલરાજ'નો છે! બાકીના તમામ મુદ્દા-વિકાસ,
રાજકીય વંશવાદ, કાયદો-વ્યવસ્થા વગેરે જંગલરાજ
સંબંધિત છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં રેકોર્ડ મતદાન - લગભગ 65 ટકા થયું તેથી વોટચોરીના મુદ્દાનું
મહત્ત્વ રહેતું નથી અને રાહુલ ગાંધીએ પણ હરિયાણાની છેલ્લી ચૂંટણીમાં વોટચોરી થઈ હોવાનો
બોમ્બ ફોડયો છે. મતદાનના પ્રથમ તબક્કામાં 32 ટકા ઉમેદવારો ઉપર ફોજદારી - ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. આમાંથી
27 ટકા ઉમેદવારો ઉપર ગંભીર આરોપ
નોંધાયા છે. આવા ઉમેદવારો મોટેભાગે ડાબેરી
પક્ષોના છે. રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારો 76 ટકા - ભાજપના 65 ટકા છે. જનતા દળ(યુ)ના 39 ટકા અને `આપ'ના 27 ટકા! પ્રશાંત કિશોર - ચૂંટણી સુધારાની હિમાયત કરે છે તેના કુલ
114 ઉમેદવારોમાંથી 50 અપરાધી છાપવાળા છે! અપરાધ ઉપરાંત
- ગરીબ ગણાતા બિહારમાં 80 ટકા ઉમેદવારો
તો કરોડપતિ છે. જેમાં સૌથી વધુ - 97 ટકા રાષ્ટ્રીય જનતા દળ વાળા છે. આર્થિક વિકાસમાં બિહાર ભલે પાછળ
હોય - અપરાધમાં દેશનાં પાંચ રાજ્યોમાં એક છે. કુલ 243 બેઠકો માટેના તમામ ઉમેદવારોમાં 66 ટકા `અપરાધી'
છે. આંધ્રમાં 79 ટકા, કેરળ અને તેલંગાણામાં
69 ટકા છે! બિહારની ચૂંટણીમાં
લગભગ અડધા ઉમેદવારોનાં નામ ઉપર અપરાધીની છાપ છે - હવે આમાંથી કેટલા ચૂંટાયા છે તે પરિણામ
પછી જાણવા મળશે અને જંગલરાજ ફરીથી સ્થપાય છે કે બિહારને મુક્ત કરાય છે તે જોવાનું છે.
લાલુ યાદવે ઘાસચારા કૌભાંડ કર્યા પછી અત્યારે જામીન ઉપર છૂટયા છે. લાલુજીએ ઘાસચારો
ખાઈને બિહારને દૂધ નહીં, `રબડી'
આપી એવી મજાક રાજકારણમાં નહીં - સમાજમાં થાય છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં
`જંગલરાજ'નો મુદ્દો મહત્ત્વનો બન્યો અને તેજસ્વી યાદવે જંગલરાજના આક્ષેપ અને ટીકાથી
બચવા એમના પિતા - લાલુ યાદવને પડદા પાછળ જ રાખ્યા. જાહેર પ્રચાર સભામાં એમની હાજરી
નહીં. એટલું જ નહીં પોસ્ટરોમાં લાલુનો ફોટો પણ નહીં! એક સમય હતો જ્યારે લાલુના નામે
વોટ - અને સિક્કા પડતા હતા. નાણાં વરસતાં હતાં અને હવે એમનું નામ ઉચ્ચારવા પણ કોઈ તૈયાર
નથી! આ સંદર્ભમાં `જંગલરાજ'નો ઇતિહાસ જાણવા જેવો છે. બિહારની યુવાપેઢીએ
જંગલરાજ જોયું નથી - તેથી હવે ભાજપના ટીકા પ્રહારની અસર થશે કે નહીં, લાલુની ગેરહાજરીથી મહાગઠબંધન - મહાગઠબંધનને નુકસાન થશે કે, લાભ તેનો જવાબ ચૂંટણીનાં પરિણામ આવે ત્યારે મળશે, પણ
હવે જંગલરાજ ફરીથી આવે નહીં તેની ચિંતા સૌને છે. વર્ષ 1997માં લાલુ યાદવ પશુધનના ઘાસચારા
કૌભાંડમાં બદનામ થયા પછી મુખ્ય પ્રધાનપદનું રાજીનામું આપ્યું અને એમનાં પત્ની રાબડી
દેવીને મુખ્ય પ્રધાનપદે બેસાડયાં ત્યારની વાત છે. પટણામાં ચારે બાજુ પાણી ભરાયાં હતાં
- ડ્રેનેજની કોઈ વ્યવસ્થા નહીં. લોકોની અવરજવર અટકી પડી હતી ત્યારે આ સ્થિતિ સામે ફરિયાદ
સાંભળતાં પટના હાઈકોર્ટે મૌખિક ટીકા કરી કે, પટનાની સ્થિતિ જંગલરાજથી પણ બદતર છે. વિપક્ષે આ ટીકા પકડી લીધી અને છેલ્લાં
પંદર વર્ષથી આરજેડી - રાષ્ટ્રીય જનતા દળના શાસનને જંગલરાજની ઉપમા - વિશેષણ મળ્યું.
હકીકતમાં વહીવટીતંત્ર ભ્રષ્ટ અને તદ્દન નિક્રિય હતું. અર્થતંત્ર ખાડે ગયું હતું. યુવાનો ધોળે દિવસે લૂંટફાટ અને માર-ફાડ-હત્યાઓ કરવા
લાગ્યા. જંગલરાજથી બદતર - કાયદો - વ્યવસ્થા ખતમ હતી. આ અરસામાં બેકાર યુવાનોએ અપહરણ
- બાળકોને ઉઠાવી જવાનો ધંધો શરૂ કર્યો. વાચકોને આશ્ચર્ય થશે પણ મુંબઈના એક પ્રતિષ્ઠિત
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ લખનારને ચોંકાવનારી માહિતી આપી હતી. મુંબઈમાં ભદ્રવર્ગની શાળાઓમાં
ભણતાં બાળકોનાં અપહરણ થઈ રહ્યાં છે અને બાળકોના જીવન બચાવવા માટે મા-બાપ મોટી રકમ
(ત્યારે પચાસ હજારથી એક લાખ મોટી રકમ હતી) ચૂકવીને છોડાવતા હતા પણ પોલીસ ફરિયાદ કરતા
ન હતા! આ ધંધો વિકસ્યા પછી બિહારથી લોકો નોકરી-ધંધા મેળવવા હિજરત કરવા લાગ્યા. અલબત્ત,
બિહારી યુવાનો - બધા જ આવા ધંધામાં નહીં હોવા છતાં બદનામ થયા. અપમાનજનક
ઓળખ થઈ ગઈ. પટનામાં પરીક્ષાનાં કેન્દ્રનાં બિલ્ડિંગમાં પાઇપ ઉપરથી ચડીને વિદ્યાર્થીઓને
પેપર ચોરીમાં મદદ કરનારાના ફોટા દેશભરનાં અખબારોમાં છપાયા. ચાણક્યની ભૂમિ - તક્ષશીલા
- નાલંદાના વિશ્વવિદ્યાલયોની ભૂમિની આવી હાલત થઈ.
દેશનાં અન્ય રાજ્યોમાંથી બેન્કોમાં ટ્રાન્સફર લેવા કોઈ તૈયાર ન હતું. આવી દુર્દશા
થયા પછી જંગલરાજથી મુક્ત થવા માટે 2005માં લોકોએ આરજેડીને વિદાય આપી. અલબત્ત - રાબડી દેવી મુખ્ય પ્રધાન
બન્યાં ત્યારે તેજસ્વી યાદવ સોળ વર્ષની વયના હતા પણ એમને વારસો મળ્યો છે લાલુ યાદવનો
અને લાલુએ સત્તા મેળવવા માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા રોકી હતી.
સાબરમતી એક્સ્પ્રેસની ઘટના વખતે લાલુ રેલવેપ્રધાન હોવાથી એમણે રેલવેતંત્ર તરફથી અલગ
તપાસ પંચ નીમીને ઘટના `નાટક' હોવાના આક્ષેપ કર્યા હતા. બિહારમાં મુસ્લિમ
વોટ બેન્ક કોંગ્રેસના હાથમાંથી છૂટી-છટકીને લાલુ પાસે આવી અને હવે ઓવૈસી પાસે આવી રહી
છે! લાલુ સત્તામાં આવ્યા પછી પછાત અને અતિપછાતને બાજુએ રાખીને માત્ર યાદવરાજ ચલાવ્યું
અને રાજકારણનું અપરાધીકરણ શરૂ થયું. વર્ષ 2001થી 2004 દરમિયાન પોલીસે
1527 કેસ નોંધ્યા હતા. 2005માં એક સ્કૂલ બોયનું અપહરણ થયું ત્યારે પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીએ
પણ ચિંતા વ્યક્ત કરી હતી. જાતિવાદી હુલ્લડની ઘટનાઓ સામાન્ય હતી. 1991થી 2001 દરમિયાન 58 હત્યાકાંડ થયા અને 566 લોકોના જાન ગયા તેમાં 343 ઓબીસી - અંત્યજ હતા, 128 ઉપલા વર્ગના
હતા. 1997માં એક જ વર્ષમાં 12 હત્યાકાંડમાં 130 જાન ગયા. 1999માં સાત હત્યાકાંડમાં
108 લોકો હોમાયા. લાલુ-રાબડી શાસનમાં
સૌથી વધુ ગંભીર હત્યાકાંડ 1992માં શ્રીગયાજીમાં
થયો હતો. રાજના 384 આઈએએસ ઓફિસરમાંથી
144 ઓફિસરે બિહારથી બહાર ટ્રાન્સફર
માગી હતી તે ઉપરથી ખ્યાલ આવી શકે છે કે, સ્થિતિ કેવી ગંભીર હશે. તેજસ્વી યાદવ અત્યારે નીતીશનાં વીસ વર્ષના શાસનની ટીકા
કરી રહ્યાં છે પણ લાલુ-રાબડીનાં પંદર વર્ષની શાસન યાતના હજુ ભુલાઈ નથી એટલે જ નીતીશને
સુશાસન બાબુ કહે છે!