દુબઈ, તા. 8 : દુબઈમાં મળેલી આઈસીસીની બોર્ડ
મીટિંગમાં એશિયા કપ 2025ની ટ્રોફીને
લઈને ચાલી રહેલા વિવાદમાં એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ પાકિસ્તાન
ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવી દ્વારા ટ્રોફી પોતાની પાસે રાખવાનો મુદ્દો ઉઠાવ્યો
હતો. જેના ઉપર આઈસીસીએ મુદ્દાના ઉકેલ માટે એક સમિતિનું ગઠન કર્યું છે. જેથી ભારતને
જીતેલી ટ્રોફી મળી શકે. આ વિવાદ એવા સમયે શરૂ થયો હતો જ્યારે ભારતીય ખેલાડીઓએ મોહસિન
નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઈનકાર કરી દીધો હતો. આ મામલો આઈસીસીની દુબઈમાં મળેલી બોર્ડ
બેઠકમાં ઉઠયો હતો. અન્ય બાબતોની સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025મા ટ્રોફી મુદ્દે ચાલતો વિવાદ
પણ ચર્ચાનો મહત્ત્વનો હિસ્સો બન્યો હતો. ભારતે 28 સપ્ટેમ્બરના એશિયા કપ 2025 જીત્યો હતો પણ ટ્રોફી હજી સુધી મળી શકી નથી કારણ કે મોહસિન નકવીએ
ટ્રોફી ચોરી લીધી હતી. ભારતીય ખેલાડીઓ દ્વારા નકવીના હાથે ટ્રોફી લેવાનો ઈનકાર કરી
દેવાયો હતો. જેના પરિણામે વિવાદ શરૂ થયો હતો. સુત્રો અનુસાર બીસીસીઆઈએ આઈસીસી બેઠકમાં
મુદ્દો ઉઠાવ્યા બાદ તમામ સભ્યોએ ભાર મૂકીને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન ક્રિકેટની
દુનિયા માટે ખુબ જ મહત્ત્વપૂર્ણ છે અને આ મુદ્દાનો મળીને ઉકેલ કરવો જોઈએ. એશિયા કપ
ટ્રોફી વિવાદ કોઈ સત્તાવાર એજન્ડામાં સામેલ નહોતો. આ માટે આ મામલે કોઈ મિનિટ બનાવવામાં
આવી નહોતી.