ગાંધીધામ, તા. 8 : તાલુકાનાં શિણાયમાં ભાંગતી રાત્રિના અરસામાં એક કારમાંથી બીજી
કારમાં શરાબનું કટિંગ થતું હતું તે દરમિયાન પોલીસે ત્રાટકી શરાબની ખેપ નિષ્ફળ બનાવી
હતી. આ કાર્યવાહી દરમિયાન વિદેશી પ્રકારના શરાબની બોટલો સહિત 3.38 લાખની કિંમતના શરાબના જથ્થા સાથે પોલીસે બે શખ્સને દબોચી લીધા
હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આદિપુર પોલીસે આજે વહેલી સવારે
4.15 વાગ્યાના અરસામાં આરોપીઓ એક
કારમાંથી બીજી કારમાં શરાબનું કટિંગ કરતા હોવાની
બાતમીના આધારે શિણાયની માનસરોવર સોસાયટી પાસે કાર્યવાહી કરી હતી. પોલીસ બાતમીનાં સ્થળે
પહોંચી, ત્યારે
સ્વિફ્ટ કારમાંથી નંબર વગરની વિન્ટો કારમાં શરાબની હેરફેર ચાલુ હતી. પોલીસને
જોઈને આરોપીઓ ઋષિરાજસિંહ વનરાજસિંહ રાણા (શિણાય)
અને તેજસસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા નાસી જવાની પેરવી કરી હતી, પરંતુ પોલીસ કાફલાએ બન્ને આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડયા હતા. આ કાર્યવાહી
દરમિયાન વિદેશી દારૂની રૂા. 93,600ની કિંમતની રોયલસ્ટેગ સુપીરિયર વ્હિસ્કીની 72 બોટલ, રોયલ ચેલેન્જર્સ ફાઈન રીઝર્વ વ્હિસ્કીની રૂા. 93,600ની કિંમતની 72 નંગ બોટલો, હેવર્ડસ 5000 બિયરના 10,560ની કિંમતનાં 200 નંગ ટીન સહિત જીજે10 બીઆર 5950 નંબરની સ્વિફ્ટ કાર, નંબર વગરની વિન્ટો કાર સહિતનો મુદ્દામાલ કબજે
કરાયો છે. આરોપીઓ શરાબ કયાંથી લાવ્યા હતા? કયાં લઈ જતા હતા તે
સહિતની વિગતો મેળવવા માટે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.