દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 8 : ગ્લોબલ કચ્છ-કચ્છમિત્રની પર્યાવરણ
જતનની અનોખી પહેલના ભાગરૂપે દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ)ની સામાજિક જવાબદારી (સીએસઆર)
હેઠળ જાહેર થયેલા રૂા. 20 કરોડના માતબર
આર્થિક સહયોગથી હાથ ધરાયેલા મુંદરા તાલુકાની ભૂખી નદીને નવજીવન સાથે કાયાકલ્પ કરવાના
પ્રોજેક્ટના ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ)માં આખરી તબક્કાના ફેરફારો થઈ રહ્યા
છે અને ટૂંકમાં તેને અંતિમ ઓપ આપવામાં આવશે. સ્થાનિક ગામલોકોની ભાગીદારી, સરપંચો સાથે સંકલન અને દરેક ગામમાં સમિતિઓની
રચના કરીને સંકલિત અભિગમ સાથે આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટની ખાસ એ વિશેષતા છે કે,
તેમાં માત્ર નદીનું પુનર્જીવન જ નહીં, પણ જળ સંરક્ષણ,
પર્યાવરણ સંવર્ધન, સ્વચ્છતા અને સૌંદર્યલક્ષી વિકાસ
એમ બધું એક જ માળખાંમાં આવરી લેવાયું છે. - સંચાલન અને દેખરેખ માટે કમિટી : ભૂખી નદીનો વિગતવાર અહેવાલ બનાવવા માટે
એજન્સીની નિમણૂક કરવામાં આવી હતી અને તેનો પ્રાથમિક અહેવાલ સંબંધિત કમિટીને રજૂ પણ
કરી દેવાયો છે. હવે ફાઈનલ ડીપીઆર બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. કચ્છ અને ખાસ
કરીને મુંદરા તાલુકા માટેના આ ઐતિહાસિક પ્રોજેક્ટની વિગતો મુજબ આ સમગ્ર પ્રોજેક્ટના
સૂચારુ સંચાલન અને દેખરેખ માટે એક મોનિટારિંગ કમિટી બની ચૂકી છે, જે કમિટીમાં ડીપીટીના અધિકારીઓ, ગ્લોબલ કચ્છ-ક્રિડાના અધિકારીઓ તેમજ કચ્છમાં માત્ર અખબારી ધર્મ જ નહીં,
પણ સેવાકીય કાર્યોમાં પણ સતત જોડાયેલું એવું લોકપ્રિય અખબાર કચ્છમિત્ર
સામેલ છે. - નદી કાંઠો
મજબૂત બનાવવાનાં પગલાં : આ પ્રોજેક્ટ સાથેના નિષ્ણાત ઇજનેરો હેતુ
સ્પષ્ટ કરે છે કે, કચ્છના શુષ્ક
દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી, પર્યાવરણ અને જીવનનાં સંતુલનને
ફરી સ્થાપિત કરવાનો આ એક દૃઢ પ્રયાસ છે. પ્રોજેક્ટનો ઉદ્દેશ માત્ર નદીના જળપ્રવાહને
પુન:સ્થાપિત કરવાનો નથી, પરંતુ નદી સાથે સંકળાયેલા પર્યાવરણીય,
સામાજિક અને આર્થિક માળખાંને પણ ફરી જીવંત કરવાનો છે. આ યોજના અંતર્ગત
ભૂખી નદીના કિનારાના વિસ્તારોમાં ઊંડાણ અને કાંપ દૂર કરીને પાણીનો સ્વાભાવિક પ્રવાહ
પુન:સ્થાપિત કરવામાં આવશે. ઇનલેટ અને આઉટલેટ ચેનલોના પુન:નિર્માણથી વરસાદી પાણીના સંગ્રહ
અને વિતરણમાં સુધારો થશે. નદીના કાંઠા મજબૂત બનાવવા માટે ટો વોલ, સ્ટોન પાચિંગ
અને બેંક સ્ટેબિલાઇઝેશન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે, જે પૂર
નિયંત્રણ અને ધોવાણ નિવારણમાં મદદરૂપ થશે. - ભૂગર્ભજળ રિચાર્જ વધારવા યોજના : આ ટેકનિકલ અને જળસંરક્ષણ નિષ્ણાતો ઉમેરે
છે કે, આ પ્રોજેક્ટમાં નવા ચેકડેમોનું નિર્માણ અને
હાલના ચેકડેમોનું સમારકામ કરીને ભૂગર્ભજળ રિચાર્જમાં વધારો કરવાનું આયોજન પણ ઘડવામાં
આવ્યું છે. નદીના માર્ગમાં આવતાં ગામોનાં તળાવોનું વિકાસકાર્ય પણ હાથ ધરાશે,
જેમાં કાદવ કાઢવો, બાંકિંગ, ઇનલેટ-આઉટલેટ સુધારણા અને સૌંદર્યીકરણનો સમાવેશ થાય છે. સૌંદર્યીકરણ કાર્યમાં
નદી કાંઠાના વિસ્તારોમાં બગીચા, બાળકો માટે પ્લે ઝોન,
બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સેનિટેશન બ્લોક, વોક વે, ગઝેબો,
લાઇટિંગ અને કચરા સંગ્રહ એકમો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આથી નદી
વિસ્તાર એક સ્વચ્છ, હરિયાળો અને સૌંદર્યલક્ષી જાહેર સ્થળરૂપે
વિકસશે. આ સાથે પ્રદૂષણ નિયંત્રણ અને સલામત વાહન પરિવહનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં
આવશે. - નદી કાંઠે હરિયાળું ક્ષેત્ર
વિકસશે : તેઓ વધુમાં ઉમેરે છે કે, વનીકરણ અને લીલોતરી વધારવા માટે નદી કાંઠે હરિયાળું
ક્ષેત્ર વિકસાવાશે, જેથી આ વિસ્તારના માઇક્રો ક્લાઇમેટમાં સુધારો
થશે, કાર્બન સંગ્રહમાં વધારો થશે અને પક્ષીઓ તથા અન્ય પ્રાણીઓ
માટે કુદરતી આવાસો પુન:સ્થાપિત થશે. આ રીતે નદીની જીવંત ઇકોસિસ્ટમ ફરી વિકસાવવામાં
આવશે, સાથે-સાથે આ પ્રોજેક્ટમાં કચરાના જવાબદારીપૂર્વક સંચાલન,
ગટરના પ્રવાહને અટકાવવા માટેનાં પગલાં, પાણીની
ગુણવત્તામાં સુધારો અને ખારાશમાં ઘટાડો લાવવાના ઉપાયોનો પણ સમાવેશ છે. સમગ્રતયા,
આ પ્રોજેક્ટ એક સંકલિત આયોજન છે, જેમાં નદી પુનર્જીવન,
પાણી સંરક્ષણ, પર્યાવરણ સંવર્ધન, સ્વચ્છતા અને સૌંદર્યલક્ષી વિકાસ એમ બધું એક જ માળખાંમાં જોડાયેલું છે. - ભૂખી નદીનો
કાયાકલ્પ; શું થશે લાભ
? : નદી પટના 32 કિ. મી. વિસ્તારમાં આવતાં 11 પ્રત્યક્ષ અને 14 પરોક્ષ ગામમાં પાણીની ઉપલબ્ધતા
વધશે. -ભૂગર્ભજળ 15 મીટર સુધી ઊંચાં આવશે. - પાણીની સંગ્રહ ક્ષમતા 1.50 મિલિ. ઘન લિટર (MCL) થશે - સિંચાઈ વધશે
: 9400 હેક્ટર (પ્રત્યક્ષ) અને 9800 હેક્ટર (પરોક્ષ). જેનાથી ખેતીની આવક 20 ટકા સુધી ઊંચી જશે. - 50,000થી વધુ માનવ દિવસ અને કાયમી
નોકરીઓનાં સર્જન સાથે રોજગાર વધશે. - સ્વચ્છ પાણીને લીધે 30થી 35 ટકા પાણીજન્ય
રોગો ઘટશે. - આજીવિકા અને પાણીની ઉપલબ્ધતામાં
સુધારા સાથે 25થી 30 ટકા સુધી મોસમી સ્થળાંતર ઘટશે. - સામુદાયિક સશક્તિકરણ : નદીની
સંભાળ માટે યુવાનો અને મહિલાઓને સામેલ કરાતાં 11 ગામમાં ઇછખઈની રચના. - આયુષ્યમાં બે વર્ષથી વધુનો અપેક્ષિત વધારો. - ભૂખી નદી સાથે જોડાયેલા સ્થાનિક મેળાઓ, ધાર્મિક પરંપરાઓ અને સાંસ્કૃતિક ગૌરવ પુનર્જીવિત
થતાં સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણનું પુનરુત્થાન. - રમત મેદાનો અને એલઈડી લાઇટિંગ સાથેના 11 રિવરફ્રન્ટ પાર્ક વિકસશે, જેથી ઇકો ટૂરિઝમ અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકતાને
બળ.- કુલ લગભગ 50,000થી વધુ વૃક્ષના ઉછેર સાથે 7.30 હેક્ટર વિસ્તારમાં હરિયાળી
છવાઈ જશે.