• બુધવાર, 01 મે, 2024

નકસલવાદનો ખાતમો અનિવાર્ય

ભારતનાં અમુક રાજ્યોમાં નકસલવાદની સામેનો જંગ અવિરત ચાલી રહ્યો છે. ગ્રામીણ લોકોને ગેરમાર્ગે દોરીને સરકારી તંત્રની સામે હિંસા ફેલાવવાનો એજન્ડા ધરાવતા નકસલવાદીઓ લોકસભાની ચૂંટણી દરમ્યાન પોતાના લોહિયાળ ઇરાદાને પાર પાડે તે પહેલાં છત્તીસગઢના બસ્તરમાં સલામતી દળોની સચોટ અને સફળ કાર્યવાહીમાં 29 નકસલવાદી ઠાર મરાયા છે. કાર્યવાહીએ સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ અપાયો છે કે, નકસલવાદ સામેની કાર્યવાહી ચાલુ રહેશે અને ચૂંટણી ખોરવવાના કોઇપણ કારસાને સફળ થવા દેવાશે નહીં. લોકસભાની ચૂંટણીના ત્રણ દિવસ અગાઉ સલામતી દળો દ્વારા હાથ ધરાયેલાં ઓપરેશનથી સ્થાનિક લોકોમાં નકસલવાદનો ડર ઓછો થશે અને તેઓ મતદાનમાં મુક્ત રીતે ભાગ લઇ શકશે. આમે પણ થોડા સમય અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યંy હતું કે, આગામી ત્રણ વર્ષમાં સરકાર નકસલવાદને સમાપ્ત કરી નાખશે.  તેમની વાતનું બસ્તરની કાર્યવાહીમાં પ્રતિબિંબ પડે છે. હવે છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં સરકારે જાહેરાત કરી છે કે, જે કોઇપણ વ્યક્તિ નકસલવાદીઓની ધરપકડ અથવા એન્કાઉન્ટરમાં મદદરૂપ થાય એવી બાતમી આપશે તેને પાંચ લાખનું ઇનામ અને સલામતી દળમાં નોકરી અપાશે. છત્તીસગઢ સરકારની જાહેરાત નકસલ પડકારને પહોંચી વળવાની તેની મક્કમતા દર્શાવે છે. આમ તો નકસલવાદની સામે 2006માં એક અલાયદા સરકારી વિભાગની રચના કરાઇ છે. વિભાગ નકસલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસનાં કામો હાથ ધરીને માળખાંકીય સુવિધાઓ વિકસાવવા ઉપરાંત શિક્ષણ, ઊર્જા અને ડિજિટલ કનેક્ટિવિટીની સુવિધાઓ વધારવા પર ધ્યાન અપાઇ રહ્યંy છે. સાથોસાથ ગ્રામીણ યુવાનોમાં કુશળતા વધારવાના કાર્યક્રમો પણ હાથ ધરાઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે નકસલવાદના ખાતમા માટે ઓલ આઉટ વ્યૂહ અમલી બનાવ્યો છે, તેની સાથોસાથ 2018થી આઠ મુદ્દાનો સમાધાન કાર્યક્રમ પણ હાથ ધર્યો છે. કાર્યક્રમ તળે હિંસા છોડીને મુખ્ય ધારામાં આવવા માગતા નકસલવાદીઓના પુનર્વસવાટ માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે. 1967માં દાર્જીલિંગના નકસલબાડી ખાતે શરૂ થયેલું આંદોલન આજે હિંસક પડકાર બની ગયું છે. નકસલવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામીણોને હાથા બનાવીને હિંસક પ્રવૃત્તિ કરવા ઉપરાંત હવે શહેરી વિસ્તારોમાં નકસલવાદને ડાબેરી સમૂહનો વૈચારિક ટેકો મળવા લાગ્યો છે. આવામાં દેશવિરોધી પ્રવૃત્તિ શહેરી વિસ્તારમાં પગપેસારો કરી રહી છે. એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં હવે મુઠ્ઠીભર નકસલવાદી સરકાર અને સમાજને બાનમાં રાખી રહ્યા છે, તો બીજી તરફ શહેરોમાં તેમને વૈચારિક રીતે સમર્થન આપનારા આગળ આવી રહ્યા છે. સરકારે હવે નકસલવાદના સપૂંર્ણ ખાતમા માટે કડક કાર્યવાહીના વ્યૂહને જરા પણ ઢીલો પડવા દેવો જોઇએ નહીં. આમ થશે તો ત્રણ વર્ષમાં દેશવિરોધી ચળવળને નાબૂદ કરી શકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang