• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

મુંબઈ-લખનઉ વચ્ચે આજે એલિમિનેટર મુકાબલો

ચેન્નાઇ, તા. 23 : આઇપીએલ-2023 સિઝનના પ્લેઓફ રાઉન્ડમાં બુધવારે રમાનારી એલિમિનેટર મેચમાં પોઇન્ટ ટેબલ પરની ત્રીજા નંબરની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ (17 પોઇન્ટ) અને મુંબઈ ઇન્ડિયન્સ (16 પોઇન્ટ) આમને સામને હશે. બન્ને ટીમ માટે આ ક્વાર્ટર ફાઇનલ જેવી ટકકર બની રહેશે. જે ટીમ હારશે તે આઇપીએલમાંથી આઉટ થશે જ્યારે વિજેતા ટીમ કવોલીફાયર-1ની પરાજીત ટીમ વિરુદ્ધ ફાઇનલમાં પહોંચવા ટકરાશે. કાગળ પર મુંબઈની ટીમ મજબૂત છે જ્યારે લખનઉની ટીમ આંચકો આપવા સક્ષમ છે. બેટધરોના ફોર્મથી વાપસી કરીને પ્લેઓફમાં પહોંચનાર મુંબઈ ઇન્ડિયન્સ આત્મવિશ્વાસ સાથે ઉતરશે. ગત સિઝનમાં રોહિત શર્માની ટીમ તળિયે હતી પણ આ વખતે શાનદાર પુનરાગમન કરવામાં સફળ રહી છે. હવે તેની નજર છઠ્ઠી વખત આઇપીએલ ટ્રોફી જીતવા પર છે. બીજી તરફ લખનઉની ટીમ ગત સિઝનમાં એલિમિનેટરમાં જ આરસીબી સામે હારી હતી. તેનું લક્ષ્ય આ વખતે આગળ વધવા પર હશે. નિયમિત કપ્તાન કેએલ રાહુલની ગેરહાજરી લખનઉની ટીમને જરૂર પડી છે. આથી ટીમનું સંતુલન થોડું બગડી ગયું છે. આમ છતાં ઉપલબ્ધ વિકલ્પોનો કામચલાઉ સુકાની કુણાલ પંડયા સારો ઉપયોગ કરી રહ્યો છે. સુપર જાયન્ટ્સને ફરી એકવાર તેના બે દમદાર બેટધર માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન પાસેથી વિસ્ફોટક ઇનિંગ્સની આશા રહેશે. જયારે કિવંટન ડિ'કોક અને કાઇલ મેયર્સ પાસેથી આક્રમક શરૂઆત જરૂરી બની રહેશે. મુંબઈની ટીમે તેની પાછલી મેચમાં હૈદરાબાદને હાર આપી હતી. આ મેચમાં કેમરૂન ગ્રીને સદી કરી હતી. મુંબઈ માટે લખનઉનો અવરોધ પાર કરવાની જવાબદારી કપ્તાન રોહિત શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરૂન ગ્રીન પર રહેશે. તેમને રોકવાની ફરજ લખનઉ તરફથી રવિ બિશ્નોઇ અને આવશે ખાન પર વિશેષ રહેશે જ્યારે મુંબઈને તેના અનુભવી સ્પિનર પીયૂષ ચાવલા પાસેથી સારા દેખાવની આશા રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang