નવી દિલ્હી, તા. 13 : કોંગ્રેસ
સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમનો
ફોન ટેપ કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ
પર `આસ્ક
મી'
સેશન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ફરી એકવાર આમને-સામને જાહેર
ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. બીજી તરફ રાહુલના આરોપો પર ભાજપે પલટવાર કરતાં મજબૂત
જવાબ આપ્યો હતો. કેરળ ભાજપના અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે ફોન ટેપિંગનો દાવો નકારતાં કહ્યું
હતું કે, રાહુલને હું
પૂરા સન્માન સાથે ફક્ત એટલું જ કહી શકું છું કે તેમણે પોતાનું માનસિક પરીક્ષણ કરાવવું
જોઈએ. કોઈ પણ તેમના ફોનને ટેપ કરવાની મહેનત કરતું નથી. કોઈને પણ તેમના ફોનને ટેપ કરવામાં
રસ નથી. જો કોઈને રસ છે તો ફક્ત એ સમજવામાં કે તેમનું મગજ દિવસે ને દિવસે જૂઠાણા તરફ
જ કેમ ચાલે છે. ભાજપે આનાથી પહેલાં વડાપ્રધાન મોદી સાથે ડિબેટ કરવાની રાહુલની માગણી
ફગાવી દીધી હતી. તેમણે દાવો કર્યો છે કે, જો બંને નેતાઓ વચ્ચે
સીધી ચર્ચા થશે, તો તે પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર નહીં
રહી શકે. ઈન્સ્ટાગ્રામ સેશન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેમની પાસે અનેક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ અને પુરાવા છે. તેમણે આ મુદ્દે સીધો
વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા
તમામ આરોપોના પુરાવા મારા ફોનમાં છે, જેને વડાપ્રધાન ટેપ કરાવી
રહ્યા છે. વન-ઓન-વન ચર્ચાથી એ સાબિત થઈ જશે કે, વિદેશી તાકાતોના
ઈશારે કોણ કામ કરી રહ્યું છે, દેશ વિરોધી કોણ છે અને ક્યારથી
દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આવી બીજી ઘણી જાણકારીઓ પણ છે, જે મને ખબર છે અને મારા ફોનમાં છે. ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે રાહુલ ગાંધીને
સવાલ પૂછ્યો હતો કે, જ્યારે ભાજપ સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર
છે, ત્યારે તેઓ જાહેર ડિબેટ પર કેમ ભાર મૂકી રહ્યા છે?
આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકસભામાં
તેમને બોલવા દેવામાં આવતા નથી અને તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીએ
સ્પષ્ટ કર્યું કે, તેઓ લાંબા ભાષણોવાળી ચર્ચા નથી ઈચ્છતા,
પરંતુ એક એવી સીધી વાતચીત ઈચ્છે છે, જેમાં બંને
નેતાઓ એકબીજા પર સીધા આરોપ લગાવી શકે. તેમણે કહ્યું કે, તેઓ ઈચ્છે
છે કે, વડાપ્રધાન મોદી એક તરફ બેસે અને તેઓ બીજી તરફ,
અને બંને વચ્ચે સીધા સવાલ-જવાબ થાય. જો આ ચર્ચા માટે ઉદ્યોગપતિ ગૌતમ
અદાણી અથવા છજજ પ્રમુખ મોહન ભાગવતને જજ બનાવવામાં આવે, તો પણ
તેમને કોઈ વાંધો રહેશે નહીં. નોંધનીય છે કે, રાહુલ ગાંધી આ પહેલાં
પણ અનેકવાર વડાપ્રધાન મોદીને ખુલ્લી ચર્ચાનો પડકાર આપી ચૂક્યા છે.