નવી દિલ્હી, તા. 13 : ભારતીય
રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ શુક્રવારે પેટીએમ પેમેન્ટસ સર્વિસીઝ લિમિટેડને પ્રિપેઇડ પેમેન્ટ
ઇસ્ટ્રુમેન્ટ (પીપીઆઇ) જારી કરવા અને સંચાલિત કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી.
આ લીલીઝંડી વોલેટ કારોબારમાં પેટીએમના પુનરાગમનની દિશામાં એક મોટું પગલું છે. આ પેટીએમથી
પેમેન્ટ કરતા કરોડો લોકો માટે સારા સમાચાર છે. જો કે, ગ્રાહકો અત્યારે તરત ડિજિટલ વોલેટનો ઉપયોગ નહીં કરી શકે. પેટીએમએ જણાવ્યું
હતું કે, અત્યારે માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આરબીઆઇ તરફથી
અંતિમ મંજૂરી કે `સર્ટિફિકેટ ઓફ ઓથોરાઇઝેશન' મળી ગયા પછી આ કારોબાર પેટીએમ શરૂ કરી શકશે. પેટીએમને યોગ્ય અને સ્વતંત્ર ઓડિટર
પાસેથી સિસ્ટમ ઓડિટ કરાવીને છ મહિનામાં ઓડિટ રિપોર્ટ આરબીઆઇને સોંપવાનો રહેશે. છ મહિનાની
અંદર ઓડિટ રિપોર્ટ નહીં સોંપાય, તો રિઝર્વ બેન્કે આપેલી સૈદ્ધાંતિક
મંજૂરી આપોઆપ રદ થઇ જશે. પેટીએમને મંજૂરી મળ્યાના સમાચાર મળતાં જ તેના શેર 1958.80 રૂપિયા
સાથે સર્વકાલીન ટોચે પહોંચી ગયા હતા.