• રવિવાર, 15 નવેમ્બર, 2026

દેવળિયા પાસે માર્ગ દુર્ઘટનામાં જાણીતા કર્મકાંડીનું અવસાન

બાઈક સાથે અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી ઊઠી, જોગણીનારના તીર્થગોરનાં અવસાનથી અંજાર-ગાંધીધામમાં શોક, પદમપર પાસે કાર-છકડા વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ગાંધીધામ, તા. 13 : `કોણ જાણી શકે કાળને રે.. સવારે કાલ કેવું થશે' આ ભજનઉક્તિ  અંજાર તાલુકાના દેવળિયા માર્ગ ઉપર ગાડી અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાર્થક થઈ હતી. અકસ્માત બાદ ગાડી સળગી જતાં ગાંધીધામ તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના પૂર્વ પ્રમુખ નવીનભાઈ રેવાશંકર મહેતા (લાલમોજ) (ઉ.વ. 39)નું મૃત્યુ થયું હતું. જેને પગલે ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ ઉપરાંત આડેસર-રાપર રોડ ઉપર ભુટકિયા પાસે પૂરઝડપે આવતી ગાડીએ છકડાને ટક્કર મારતાં ઈજાગ્રસ્ત ચાલક અમરતભાઈ જુવારભાઈ ભરથરીનું મૃત્યુ થયું હતું તેમજ અન્ય ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. ગત તા. 9/11ના સાંજે 5.30 વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, થાર ગાડી જીજે-12-એફજે-0025 લઈને નવીનભાઈ દેવરિયા ગામ તરફ જતા હતા તે સમયે મોટરસાઈકલ જીજે-12-સીએચ-7724  સામેથી અથડાઈ હતી. ત્યારબાદ ગાડી રસ્તામાંથી નીચે ઊતરી પી.જી.વી.સી.એલ.ના  થાંભલા સાથે અથડાઈ હતી. ગાડી સળગી જતાં તેમાં બેઠેલા ચાલક નવીનભાઈ કોઈ પ્રકારે બહાર ન નીકળી શકતાં આગની જ્વાળામાં લપેટા તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં બંને વાહન બળીને ખાખ થયાં હતાં. આ વેળાએ મોટરસાઈકલચાલક કિશન કોઠીવાર (રહે. વલાડિયા, તા. અંજાર)ને પણ ઈજા પહોંચી હતી. મૂળ સંઘડના હાલે અંતરજાળમાં રહેતા તેમજ જોગણીનાર ધામના તીર્થગોર તેમજ ગાંધીધામ તાલુકા કર્મકાંડવિદ બ્રાહ્મણ મંડળના પૂર્વ પ્રમુખ નવીનભાઈનાં અપમૃત્યુના અહેવાલને પગલે ગાંધીધામ-અંજાર પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી. મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વધુ એક માર્ગ અકસ્માતના બનાવ અંગે પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પદમપર ગામના પાટિયાથી ભીમાસર ગામ તરફ જતા માર્ગ ઉપર ગત તા. 10/11ના બપોરે 3 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. પૂરઝડપે આવતી ચાર ચક્રિય ગાડી  નં. જીજે-12-એફડી-9191ના ચાલકે છકડોરિક્ષામાં ટોઈંગ કરેલી છકડોરિક્ષા જીજે-08-એટી-8858ને પાછળથી ટક્કર મારી હતી. રિક્ષા પલટી મારી જતાં રિક્ષાચાલક અમરતભાઈને ગંભીર પ્રકારની ઈજા થતાં તેમનું મૃત્યુ થયું હતું તેમજ રિક્ષામાં બેસેલા કંકુબેન અને સુરેશભાઈ સહિતનાને ઈજાઓ પહોંચી હતી. મૃતક પિતાની  બંધ પડેલી રિક્ષાને પુત્ર પોતાની  રિક્ષા સાથે બાંધીને લઈ જતો હતો તે સમયે તેમને અકસ્માત નડયો હતો. આ અંગે ગણપતભાઈ અમરતભાઈ ભરથરીની ફરિયાદીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd