ફાયરિંગની ઘટનામાં પરવાનાવાળું હથિયાર બદલનારા
ચાર આરોપી ઝડપાયા
ભુજ, તા. 13 : તાલુકાના પાયરકાની વાડીમાં ચોકીદારી
કરતા કોડકીના 27 વર્ષીય
યુવાન કાદર હાસમ જતનું દેશી બંદૂકની ગોળી માંથામાં વાગતાં શંકાસ્પદ મોતના મામલે પશ્ચિમ
કચ્છ પોલીસની એલસીબી અને એસઓજીની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી અને આ બનાવ પાછળના કાવતરાનો
પર્દાફાશ કરી ચાર ઈસમની અટક કરી હતી, જ્યારે અન્ય
છ આરોપી પકડવાના બાકી હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે બનાવમાં વપરાયેલી બંદૂક,
કાર્ટિસ અને છ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી
વિગતો મુજબ, મૃતક કાદર, ઈશા હુસેન જત,
અલ્તાફ રમજુ જત અને રશીદ ઉમર જત બંદૂકથી શિકાર કરવા ગયા હતા,
જ્યાં કોઈ કારણોસર ઈશા જત પાસે રહેલી બંદૂકથી ફાયરિંગ થવાથી કાદરને માથામાં
ગોળી વાગતાં તેનું મોત થયું હોવા અંગે પોલીસને મળેલી પૂર્વ બાતમીના અધારે તપાસ હાથ
ધરી હતી. બનાવ અંગે વિગતો આપતાં ડીવાયએસપી એમ. જે. ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે,
હસ્તગત કરાયેલા આરોપીઓની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આરોપીઓએ કેફિયત
આપી હતી કે, ગત તા. 3-11ના રાત્રિના
સમયે મૃતક સહિત ચારેય જણા શિકાર કરવા માટે પાયરકાની સીમમાં ગયા હતા. શિકાર માટે બંદૂક
અને કારતૂસ ઈશા જત લઈ આવ્યો હતો. દરમિયાન, ઈશાથી બંદૂકનું
ટ્રીગર દબાઈ જતાં સામે ઊભેલા કાદરને માથામાં ગોળી લાગી હતી અને તે ગંભીર રીતે ઘવાયો
હતો, જેમાં તેનું મોત થયું હતું. પોલીસે ઈશા હુસેન જતની ઝીણવટપૂર્વક
પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, શિકાર માટે તે જુમા મુસા
જતનું કાયદેસર પરવાનાવાળું હથિયાર પોતાના ફોઈના દીકરા આદમ ઈભલા જત મારફતે લઈ આવ્યો
હતો. ફાયરિંગની ઘટના બાદ ત્રણેય ઈસમે કાવતરું રચી મૃતકને નવીનભાઈની વાડીએ રાખી દીધો
હતો અને ઈશાએ આ બનાવ અંગે આદમને જાણ કરી હતી, જેથી અલ્તાફ જત
થા જુમા ઉર્ફે રશીદ જત ગભરાઈને નાસી છૂટયા હતા. ત્યારબાદ ઈશા, આદમે જુમા મુસા જત (રહે. કોડકી), ઉમર જાકબ જત (રહે. સુમરાસર-જત),
હાજી સિધિક મામદ જત (રહે. પીરવાડી), જુમા કાસમ
જત (રહે. નવાવાસ, પીરવાડી), સિધિક દાઉદ
જત (રહે. સુમરાસર), ઈબ્રાહીમ હાજીસિધિક જત (રહે. નવાવાસ,
પીરવાડી) અને ઈમરાન દાઉદ જત (રહે. માઈના પડ)નો સંપર્ક કર્યો હતો અને
નવીનભાઈની વાડીએ બોલાવ્યો હતો. મૃતક કાદર પરિવારનો જ સભ્યો હોઈ તેમજ જુમા મુસાનું પરવાનાવાળા
હથિયારનું લાયસન્સ રદ ન થાય અને બંદૂક જપ્ત ન થાય તે માટે તમામ આરોપીએ કાવતરું રચ્યું
હતું અને જુમાના મિત્ર ગુનાહિત ઈતિહાસ ધરાવતા જાકબ દાઉદ જત (રહે. ટાંકણાસર)નો સંપર્ક
કરી તેની ગેરકાયદેસર હાથ બનાવટની બંદૂક મેળવી હતી બંને હથિયાર બદલી નાખ્યા હતા. તે
ઉપરાંત પુરાવાઓ સગેવગે કરીને પોલીસને ખોટી માહિતી આપી તપાસને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર
રચ્યું હતું. કાવતરાનો પર્દાફાશ થતાં પોલીસે ચારેય આરોપીને હસ્તગત કરી તેમના કબજામાંથી
છ મોબાઈલ, બનાવમાં વપરાયેલી બંદૂક, 17 કાર્ટિસ
સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં એઁસઓજી પીઆઈ એ. ડી. પરમાર, એલસીબી પીઆઈ એ. એમ. મકવાણા, પીએસઆઈ ડી. બી. વાઘેલા,
એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા, રઘુવીરસિંહ જાડેજા,
નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાણા,
રઝાકભાઈ સોતા, મયૂરસિંહ ઝાલા, હેડ કોન્સ. પૃથ્વીરાસિંહ જાડેજા, વનરાજસિંહ સોઢા,
કોન્સ. વનરાજસિંહ જાડેજા, રવીન્દ્રભાઈ રાઠોડ,
ડ્રા. કોન્સ. મીતેશભાઈ રાજગોર, એલસીબીના એએસઆઈ
ધમેન્દ્રભાઈ રાવલ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ. શક્તિદાન ગઢવી, શ્યામભાઈ ગઢવી અને જીવરાજભાઈ
ગઢવી સહિતનો સ્ટાફ જોડાયો હતો.