આધુનિક વિશ્વમાં જીવનની નવી તકો માટે વિદેશમાં વસવાટનું ચલણ
સતત વધી રહ્યંy છે. ભારે બૌદ્ધિક અને વેપારી કુશળતા ધરાવતા
ભારતીયો આજે દુનિયાના તમામ દેશોને કર્મભૂમિ બનાવતા થયા છે. આને લીધે આજે વિદેશમાં વસતા
ભારતીયોની સંખ્યા દિવસો દિવસ વધી રહી છે. એક તરફ આપણે દુનિયાના લગભગ દરેક ખૂણે ભારતીયો
વસતા હોવાનું ગૌરવ લેતા થયા છીએ, પણ આ
આપણા દેશવાસીઓની વિદેશની ધરતી પરની સલામતીના મુદ્દા પર કેન્દ્ર સરકારે હવે કોઈ નક્કર
કાર્યયોજના અમલી બનાવવા પર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે. તાજેતરના સમયમાં વિશ્વના
અલગ-અલગ ભાગોમાં વિવિધ દેશો અને જૂથો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યા છે, તેનાથી ભારતીયોની સલામતી સામે સ્વાભાવિક રીતે ચિંતા ઊભી થઈ છે. હાલે પશ્ચિમ
એશિયાનાં યુદ્ધમાં સંખ્યાબંધ ભારતીયોને અસર પડી છે. જહાજી સેવાઓ પર હુમલામાં ભારતીય
ખલાસીઓનાં મોત થતા હોવાના અહેવાલ સતત સામે આવતા રહે છે. તેની સાથોસાથ આરબ દેશોમાં રોજીરોટી
માટે કામ કરતા ભારતીયોનો હવાઈ હુમલામાં ભોગ લેવાતો રહે છે. આ સંદર્ભમાં વારંવાર ભારત
સરકારની જવાબદારી અંગે ચર્ચા છેડાતી રહે છે. દરિયાઈ પરિવહનમાં ભારતીય ખલાસીઓની સંખ્યા
સતત વધી રહી છે અને મધ્ય-પૂર્વમાં જહાજો પર હુમલામાં આ ખલાસીઓનો ભોગ લેવાતો રહે છે.
ભારત સરકારે સંબંધિત દેશો પાસે વાંધો નોંધાવવો-તેની ટીકા કરવાથી વિશેષ કોઈ જવાબદારી
નિભાવવી જોઈએ કે નહીં એ એક મોટો સવાલ છે. પશ્ચિમ એશિયાના દેશોમાં ભારતીયો લાખોની સંખ્યામાં
ધંધા- રોજગાર માટે વસી રહ્યા છે. આ લોકો સ્વદેશમાં તેમની કમાણીનો મોટો હિસ્સો મોકલીને
અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપતા હોય છે.
આવામાં ભારત સરકારની જવાબદારી બને છે કે, તેમની વિદેશની
ધરતી પર સલામતી માટે કોઈ નક્કર વ્યવસ્થા ગોઠવવામાં આવે. પશ્ચિમ એશિયામાં અત્યાર સુધી કુલ 23 ભારતીયનાં મોત થયાં છે, જેમાં
1પ ખલાસી હતા. આ વિસ્તાર જેવી જ હાલત યુક્રેન
અને રશિયા વચ્ચેના મોરચે પણ છે. આ જંગનો વ્યાપ પણ હવે દરિયાઈ માર્ગો સુધી પહોંચી ચૂક્યો
છે. સત્તાવાર માહિતી મુજબ કાળા સમુદ્રમાં થયેલા
હુમલામાં અત્યાર સુધી પાંચ ભારતીયનાં મોત થયાં છે. આમ તો આંતરરાષ્ટ્રીય કાયદો એવો છે
કે, આવાં યુદ્ધના સમયે કોઈ અન્ય દેશના સમાન્ય નાગરિકને
જાણી જોઈને નિશાન બનાવવા જોઈએ નહીં, પણ કમનસીબે હાલત એવી છે કે,
આજના સમયમાં દેશો આવા કાયદાને ઘોળીને પી જાય છે. ભારતની વિદેશનીતિ પરંપરાગત
રીતે શાંતિ, સંવાદ અને રાજદ્વારી પ્રયાસોને અગ્રતા આપવાની રહી
છે. આ નીતિને અનુસરીને આપણે વિદેશી ધરતી પર નાગરિકોની સલામતીના મામલે ટીકા કે વાંધાથી
આગળ કોઈ પગલાં લેતાં નથી. હવે સમય આવી ગયો છે કે, ભારતે વૈશ્વિક
મંચો પર આંતરરાષ્ટ્રીય કાયદાના અમલ માટે ભારપૂર્વક રજૂઆત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું
જોઈએ.