• શનિવાર, 14 નવેમ્બર, 2026

પૂર્વ કચ્છમાં અપમૃત્યુના પાંચ બનાવમાં પાંચ જિંદગી ઉપર પૂર્ણવિરામ

મેઘપર (બો.)માં યુવાન, ગાંધીધામમાં પરિણીતા અને વૃદ્ધે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી, સામખિયાળીમાં બાવળની ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો, વરસામેડીની કંપનીમાં ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

ગાંધીધામ, તા. 13 : અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીમાં અગમ્ય કારણોસર રાજન સતગુણ ભારતિયા (ઉ.વ.31)એ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો તેમજ ગાંધીધામમાં પરીણિતા કાજલ અજયસિંહ (ઉ.વ.30)એ ગળેફાંસો ખાઈ જીવન ઉપર પૂર્ણવિરામ મુક્યું હતું. સામખિયાળી વિસ્તારમાં  અજાણ્યા 35થી 40 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતાં પોલીસબેડામાં દોડધામ મચી હતી. અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલા ઔદ્યોગિક એકમમાં બનેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત જગજીવનરામ સુદર્શનરામ (ઉ.વ.31)નું મૃત્યુ થયુ હતું. ગાંધીધામમાં કોઈ કારણોસર કાનજીભાઈ ગાભાભાઈ લાંભા (ઉ.વ.62)એ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું.

મેઘપર બોરીચીમાં સ્ટ્રલિંગ ટેપ લિમિટેડમાં રહેતા  રાજનભાઈ નામના યુવાને કોઈ કારણોસર ગત તા. 10/11ના 11 વાગ્યાના અરસામાં અંતિમ પગલું ભરી લીધું હતું તેમને સારવાર તળે લઈ જવાતાં રામબાગ હોસ્પિટલના ડો. સુરભિ ક્રિપલાણીએ મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ છાનબીન હાથ ધરી છે.

અકસ્માત મૃત્યુનો વધુ એક  બનાવ પીએસએલ ઝુંપડાં વિસ્તારમાં ગત તા. 10/11ના 9.57 વાગ્યાના અરસામાં બન્યો હતો. નવ વર્ષનો લગ્નગાળો ધરાવતાં કાજલબેને પોતાનાં ઘરમાં ગત તા. 7/11ના સવારના 10 વાગ્યાના અરસામાં સળિયામાં દોરી વડે ગળેફાંસો ખાદ્યો હતો.  પરિવારજનો દ્વારા તેમને રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા બાદ વધુ સારવાર અર્થે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીં તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. પૈસાની બોલાચાલીનાં મનદુ:ખ મુદ્દે તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસની જાણવા જોગ નોંધમાં વર્ણવામાં આવ્યું છે.

સામખિયાળી  પોલીસમથકની હદમાં આલ્ફા હોટેલની સામે આવેલાં તળાવ પાસે બાવળની ઝાડીમાંથી  અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઉંમર 30થી 40 વર્ષની હોવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. યુવાનનું મૃત્યુ ગત તા. 11/11ના 1.15 વાગ્યા પહેલાં કોઈ પણ સમયે થયું હતું. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ છાનબીન હાથ ધરી છે.

અકસ્માતનો વધુ એક  બનાવ વેલસ્પન કંપનીમાં ગત તા. 5/11ના 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.  એકમમાં કામ કરતા અને વરસામેડીમાં રહેતા જગજીવનરામ સીડી ઉપરથી પડી જતાં  તેમને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતાં સારવાર કારગત નીવડે તે પહેલાં દમ તોડતાં પરિવારમાં ગમીગીની પ્રસરી હતી. આ બનાવને લઈને  વધુ એક વખત ઔદ્યોગિક એકમમાં  કામદારોની સુરક્ષા મુદ્દે સવાલો ઊઠયા છે.

ગાંધીધામના જગજીવનનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા કાનજીભાઈએ પોતાના ઘરમાં  કોઈ અગમ્ય કારણોસર  ગત તા. 10/11ના 4  વાગ્યા પહેલાં કોઈ પણ સમયે ગળેફાંસો  ખાઈ જિંદગીનો અંત આણ્યો હતો. આ આધેડે કયા કારણોસર આ પ્રકારે પગલું ભરી લીધું હશે, તે જાણવા પોલીસે વધુ તપાસ આરંભી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd