• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

વરસામેડી નજીક 98 હજારના ગાંજા સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલા ઓમનગરથી મીઠીરોહર તરફ જતા માર્ગ પર જાહેરમાં ગ્રાહકોને ગાંજો વેચવા ઊભેલા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા. 98,110નો માદક પદાર્થ જપ્ત કરાયો હતો. વરસામેડીના સિદ્ધેશ્વરીનગર વિસ્તારમાં રહેનાર રણજિત જાગરૂપ યાદવ નામનો શખ્સ માદક પદાર્થ વેચતો હોવાની પૂર્વ બાતમી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમને મળી હતી અને આ શખ્સ હાલમાં ઓમનગરથી મીઠીરોહર તરફ જતા માર્ગ પર પદાર્થ સાથે હાજર હોવાનું બહાર આવતાં એસ.ઓ.જી.ની ટીમે કમર કસી હતી. પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને અહીં છૂટક ગ્રાહકોને ગાંજો વેચવા ઊભેલા આ શખ્સ રણજિત યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી સિલ્વર-ગ્રે રંગની પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેમાં વનસ્પતિ જેવા લીલા રંગના પાંદડાં, ડાળખા, બીજ ભરેલો પદાર્થ હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સને પકડી એસ.ઓ.જી. કચેરીએ લઈ જવાયો હતો. એફ.એસ.એલ. અધિકારીને બનાવની જાણ કરાઈ હતી. અધિકારીઓએ અહીં આવી માદક પદાર્થનું પ્રાથમિક પૃથક્કરણ કરતાં આ પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયું હતું. પકડાયેલા આ શખ્સ પાસેથી રૂા. 98,110નો 1.963 કિલો ગાંજો, બે ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે મળીને કુલ રૂા. 1,07,190નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેને આ પદાર્થ અંબાજી સોસાયટીમાં રહેનાર મુકેશ મંડલ નામનો શખ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ મુકેશને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd