ભુજ, તા. 22 : શહેરની ભાગોળે નાગોર બાજુ ખનિજ
કચેરીની ફ્લાઇંગ સ્ક્વોડે રેતી ચોરી ઝડપવા ટ્રકનો પીછો કરતાં ફિલ્મી સ્ટાઇલથી બચવા
ચાલકે ચાલુ ટ્રકે રસ્તામાં રેતી ખાલી કરતાં પોતાની ટ્રક પરથી કાબૂ ગુમાવતાં ટ્રક પલટી
ગઇ હતી. સ્ક્વોડ તે તરફ જતાં ચાલકે ફરિયાદી સામે પાવડો ઘા કરી બીજીવાર આ બાજુ ચેકિંગ
કરવા ન આવવા ગર્ભિત ચીમકી આપી હતી. આજે સવારે નાગોરથી ત્રંબૌ તરફ જતા રસ્તા પરના આ
ફિલ્મી સ્ટાઇલના બનાવ અંગે માધાપર પોલીસ મથકે ભુજની ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની
ફ્લાઇંગ સ્ક્વોડમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા વિરલભાઇ ગોપાલભાઇ મહેશ્વરીએ
નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે તે તથા સરકારી વાહનના ચાલક ખનિજ ચોરી રોકવા રાબેતા
મુજબની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. નાગોર સીમમાંથી નીકળેલી એક ટ્રક નં. જીજે-09-એયુ- 5411વાળીને ચેક કરવા હાથના ઇશારાથી
ટ્રકને ઊભી રાખવાનું કહેતાં ચાલકે ગાડી ઊભી ન રાખીને પૂરપાટ ત્રંબૌ બાજુ ભગાવી હતી, આથી ટ્રકનો પીછો કર્યો હતો. આ ટ્રકનો ફ્લાઇંગ
સ્ક્વોડ પીછો ન કરી શકે તે માટે ટ્રકના ચાલક સિવાયનો બીજો માણસ જે ટ્રકમાં પાછળના ભાગે
ભરેલી રેતી ચાલુ ગાડીએ ખાલી કરવા માટે પાછળના ભાગે આવી ટ્રોલીના ભાગનું પાટિયું ખોલી
ચાલુ ગાડીએ ટ્રકમાં ભરેલી રેતી રસ્તા પર ખાલી કરી હતી. આ દરમ્યાન, આગળ વળાંક પાસે ચાલકે ટ્રક પરથી કાબૂ ગુમાવતાં ટ્રક પલટી મારી ગઇ હતી. ટ્રકચાલક
પાવડો લઇ ફરિયાદીની ગાડી તરફ દોટ મૂકી ફરિયાદીને કહ્યું કે, હવે
પછી તમે આ બાજુ રેતીની ચેકિંગ માટે આવતા નહીં તેવી ગર્ભિત ધમકી આપતાં ફરિયાદી ગાડી
લઇને નીકળતાં ચાલકે ગાડી પાછળ મારવા અર્થે પાવડાનો છૂટો ઘા કર્યો હતો. જનરક્ષક (112)ને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચતાં આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે
ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય
છે કે, આ જ માર્ગ પર થોડા માસ અગાઉ પણ રેતી ચોરી રોકવા
ખાણ-ખનિજની ટીમની ગાડી આ રીતે જ પીછો કરતી હતી અને ચાલુ ગાડીએ ટ્રકચાલકે રેતી રસ્તા
પર ખાલી કરી દેતાં સરકારી ગાડીને નુકસાન થયું હતું. આમ, ખનિજચોરો
બેફામ બન્યા છે અને આ તો `ચોરી ઉપરથી
સીના જોરી' જેવા બનાવ હોવાથી કડક કાર્યવાહી
જરૂરી બની છે.