ભુજ, તા. 22 : મુંદરા તાલુકાના બેરાજા ખાતેના
ઉદ્યોગ દ્વારા કરાતાં હવા, પાણી અને જમીન
પ્રદૂષણ તેમજ પાકોને થતાં નુકસાનના કારણે ખેડૂતોને વળતર ચૂકવવા બેરાજા, બોચા અને આસપાસના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી
ફરિયાદ કરાઈ હતી. રાજ્યના મુખ્ય સચિવ, વન અને પર્યાવરણના અગ્રસચિવ
કેન્દ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક નિયામક ચેરમેન, સભ્ય
સચિવ સહિત ભુજ સ્થિતિ પ્રાદેશિક અધિકારીને પણ કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે વપરાયેલી
લેડ, એસિડ, બેટરી, સીસુ, પ્લાસ્ટિક રિસાઈકલિંગ, તાંબુ
અને એલ્યુમિનિયમ ગાળવા જેવી પ્રવૃત્તિઓ મે. અંશ્વરી ગ્લોબલ મેટલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.
લિ. કરે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પોતાના મંજૂરી-આદેશો અને નિરીક્ષણ અહેવાલોમાં
જ કંપનીની મજૂરીઓ, ઉત્પાદન શરૂ થવાની તારીખો, પ્રદૂષણ નિયંત્રણ વ્યવસ્થાની સ્થિતિ, જોખમી કચરા તથા
પાણીના વપરાશ અંગે ગંભીર અને પ્રથમદર્શી વિસંગતાઓ જોવા મળે છે. કંપનીનાં પ્રદૂષણને
કારણે ખેતરોના પાક, જમીન અને જળસ્રોતને નુકસાન થવાની ગંભીર બાબતોની
તાત્કાલિક સ્વતંત્ર તપાસ કરી કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. તે સાથે
કાચામાલ, ઉત્પાદન, વેચાણની તપાસ કરાય,
ચીમનીનું ઉત્સર્જન, હવા, ગંદું પાણી, નાળાં, સુરઈ નદી,
તળાવો, બોરવેલ તેમજ અસરકારક પાકના નમૂના એનએબીએલ
માન્યતાપ્રાપ્ત પ્રયોગશાળા મારફતે લેવાની માંગ કરાઈ હતી.