ભુજ તા. 22 : આંતરજિલ્લાથી
મુખ્ય મથક આવતા તમામ વાહનો માટે અતિ મહત્ત્વના અને વ્યસ્ત માર્ગ એવા હોસ્પિટલ રોડથી
જ્યુબિલી ગ્રાઉન્ડ જતા રસ્તાની કાયાકલ્પ કરવા સાથે વિસ્તૃતીકરણ કરવા માટે ભુજ વિભાગના
ધારાસભ્ય કેશુભાઈ પટેલે કમર કસીને સંલગ્ન તમામ વહીવટી તંત્રને તાત્કાલિક કામ શરૂ કરવા
સૂચના આપી હતી. ધારાસભ્ય કેશુભાઈએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી જનરલ હોસ્પિટલ થઈને જ્યુબિલી
ગ્રાઉન્ડ તરફના અતિ વ્યસ્ત માર્ગને વિસ્તૃત કરીને તેનું સર્ફેસિંગ કરવા અગાઉ કરેલી
રજૂઆત બાદ તે મંજૂર થઈ ગયો છે. આ માટે આજે તેઓએ પ્રાંત અધિકારી શ્રી નાકિયા, માર્ગ અને મકાન વિભાગના ના.કા. ઈજનેર ચિરાગ
ડુડિયા અને નગરપાલિકાના મુખ્ય અધિકારી ટ્વીંકલ પટેલ સાથે પગપાળા રસ્તાનું નિરીક્ષણ
કર્યું હતું. માર્ગમાં જ્યાં-જ્યાં અડચણ કે દબાણો છે તેની જાત માહિતી મેળવીને તેને
હટાવવાની અધિકારીઓને સૂચના આપી હતી અને માર્ગનું કામ તત્કાળ ચાલુ કરવા આદેશ આપ્યો હતો.
આ માર્ગ બે તરફ નવ-નવ મીટર સાથે 18 મીટર પહોળો બનાવવાની યોજના છે. કેશુભાઈએ કહ્યું હતું કે, ભુજના અને તાલુકાના અનેક ગ્રામ્ય માર્ગો મંજૂર
થયા પછી તેના અનેક કામો પણ પૂર્ણ થતાં લોકોને સુવિધા પ્રાપ્ત થઈ છે. ભુજ શહેરના પણ
કેટલાયે માર્ગોનું નવીનીકરણ થયું છે તે શ્રુંખલામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી જ્યુબિલી
ગ્રાઉન્ડનો માર્ગ પણ હવે નવા વાઘા સજશે, જેથી રાહદારીઓ અને વાહનચાલકોને
મોટી રાહત થશે આ કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવાની સૂચના છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
ભુજ સહિત કચ્છના અનેક માર્ગો રાજ્ય સરકારની અમીદૃષ્ટિ થકી નવાનકોર બન્યા
છે. તેમણે જિલ્લાના વિકાસકામો માટે અંગત કાળજી લેવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો
આભાર માન્યો હતો.