લોસ
એન્જિલ્સ,
તા.29: ફૂટબોલ વર્લ્ડ કપ-2026ના
રાઉન્ડ-16માં
પહોંચનારી પહેલી ટીમ કેનેડા બની છે. ગઇકાલે રાત્રે રમાયેલા પહેલા રાઉન્ડ-32ના
મેચમાં દ. આફ્રિકા વિરુદ્ધ કેનેડાનો આખરી ક્ષણોમાં 1-0 ગોલથી
દિલધડક વિજય થયો હતો. આ સાથે જ કેનેડાએ વિશ્વ કપ ઈતિહાસમાં પહેલીવાર નોકઆઉટ
રાઉન્ડમાં જીત મેળવી છે. આ પહેલા કેનેડા 1986 અને 2022ના
વિશ્વ કપમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધ્યું ન હતું. દ. આફ્રિકા અને કેનેડા વચ્ચે છેલ્લે
સુધી રસાકસી થઇ હતી. નિર્ધારિત 90 મિનિટ સુધી બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી. ઇન્જરી
ટાઇમ એટલે કે 90 પ્લસ
2 મિનિટે
કેનેડાના કપ્તાન સ્ટીફન યૂસ્ટાક્વિયોએ ગોલ કરીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી
હતી. આથી કેનેડાનો દ. આફ્રિકા સામે 1-0થી વિજય થયો હતો. આફ્રિકી ટીમ
વિશ્વ કપની બહાર થઇ છે. રાઉન્ડ-32માં ભારતીય સમય અનુસાર આજે રાત્રે અને મંગળવારે
સવારે કુલ 3 મેચ
રમાશે. જેમાં પહેલા મેચમાં બ્રાઝિલ સામે જાપાન હશે જ્યારે જર્મની વિ. પરાગ્વેની
ટક્કર થશે. સવારે 6-30થી નેધરલેન્ડ અને મોરકકો વચ્ચેનો મેચ શરૂ થશે. આ
મેચની વિજેતા ટીમ રાઉન્ડ-16માં કેનેડા સામે ટકરાશે.