• સોમવાર, 22 જૂન, 2026

આઈવરી કોસ્ટને હરાવીને જર્મની નોકઆઉટમાં

ટોરન્ટો/હ્યુસ્ટન, તા. 21 : ફિફા વર્લ્ડકપના 10મા દિવસે પૂર્વ ચેમ્પિયન ટીમ જર્મની રસાકસી પછી આઇવરી કોસ્ટ વિરુદ્ધ 2-1 ગોલથી નિર્ણાયક જીત મેળવી નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશી છે, જ્યારે જાપાને ટયુનિશિયા સામે 4-0 ગોલથી વિજય હાંસલ કરી નોકઆઉટની આશા જીવંત રાખી છે. નેધરલેન્ડ ટીમ નોકઆઉટ તરફ આગળ વધી છે. તેનો સ્વીડન સામે પ-1 ગોલથી જોરદાર વિજય થયો હતો. કુરાકાઓએ ફિફા વર્લ્ડકપમાં પહેલીવાર પોઇન્ટ મેળવ્યો છે. તેની ઇકવાડોર સામેની મેચ 0-0થી ડ્રો રહી હતી. આથી બન્ને ટીમને 1-1 અંક મળ્યા હતા. ગ્રુપ ઇની મેચમાં આઇવરી કોસ્ટ સામે શાનદાર વાપસી કરીને જર્મનીએ 2-1થી જીત મેળવી હતી. આથી રાઉન્ડ-32માં તેની જગ્યા નિશ્ચિત બની છે. મેચની 30મી મિનિટે ફ્રેંક કેસીના ગોલથી આઇવરી કોસ્ટ આગળ થયું હતું. બીજા હાફમાં સબસ્ટિટયૂટ ખેલાડી ડેનિજ ઉન્દાવે 68 અને 94મી મિનિટે ગોલ કરી જર્મનીને 2-1થી વિજય અપાવ્યો હતો. નેધરલેન્ડનો ગ્રુપ એફની મેચમાં સ્વીડન સામે પ-1થી શાનદાર વિજય થયો હતો. ડચ ટીમ તરફથી બ્રાયન બ્રોબી અને કોડી ગૈકપોએ બે-બે ગોલ કર્યા હતા. સ્વીડન સામેની જીતથી નેધરલેન્ડની નોકઆઉટ રાઉન્ડની દાવેદારી મજબૂત બની છે. ગ્રુપ ઈની ઇકવાડોર અને પહેલીવાર વર્લ્ડકપ રમી રહેલ અજાણ્યા દેશ કુરાસાઓની મેચ રસાકસી પછી ગોલરહિત ડ્રો રહી હતી. બન્ને ટીમ પાસે બે-બે મેચ પછી 1-1 અંક છે અને પોઇન્ટ ટેબલ પર તેમના ગ્રુપ ત્રીજા-ચોથા સ્થાને છે. જાપાને આક્રમક રમતનું પ્રદર્શન કરીને ટયૂનિશીયા સામે 4-0 ગોલથી ધમાકેદાર જીત મેળવી હતી. જાપાન તરફથી અયાસે ઉએદાએ 31 અને 83મી મિનિટે બે ગોલ કર્યાં હતા. ગ્રુપ એફમાં નેધરલેન્ડ પછી જાપાન બીજા નંબર પર છે. આ બન્ને ટીમ પાસે નોકઆઉટ પ્રવેશની તક છે. 

Panchang

dd