• સોમવાર, 22 જૂન, 2026

ઝરપરા : રેતીમાં ફસાયેલો ટ્રેલર કાઢવા જતાં યુવાન પર ટ્રેલર ફરી વળ્યું

ભુજ, તા. 21 : મુંદરાના ઝરપરા સીમમાં ટ્રેલર રેતીમાં ફસાઇ જતાં અન્ય ડ્રાઇવર 23 વર્ષીય યુવાન એવા આશિષ સુરેન્દ્ર પાસવાન (ઉત્તરપ્રદેશ) મદદ અર્થે ટ્રેલર નીચે ટાયર આગળથી રેતી હટાવતો હતો ત્યારે ટ્રેલર તેના પર ફરી વળતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નીપજ્યું હતું. બીજી તરફ ભચાઉના ચોપડવા ઓવરબ્રિજ પર એસ.ટી. બસ પાછળ બાઇક ભટકાતાં અજાણ્યા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસ મથકે મૃતક આશિષના ભાઇ જીતેન્દ્રકુમારે લખાવેલી ફરિયાદ મુજબ આજે બપોરે ઝરપરા સીમ પાસે જે.એમ.જે. કન્ટેનર યાર્ડ પાસે ટ્રેઇલર નં. જી.જે. 39 ટી.બી. 7222વાળો રેતીમાં ફસાઇ ગયો હતો. આથી તેમનો ભાઇ આશિષ મદદ અર્થે આ ટ્રેલરની નીચે ખાલી સાઇડમાં વચ્ચેના ટાયર આગળથી રેતી હટાવતો હતો ત્યારે જ ટ્રેલરચાલક દેવધાણ સાખરાએ ટ્રેલર નીચે જોયા વગર બેદરકારીથી હંકારતા આશિષ પર ટ્રેલરના ટાયર ફરી વળ્યા હતા. ગંભીર રીતે ઘાયલ આશિષને પ્રથમ ધ્રબની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે અદાણી હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું મોત થયું હતું. પોલીસે ફરિયાદના આધારે ટ્રેલરચાલક દેવધાણ સાખરા (ધ્રબ) વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજીતરફ ભચાઉના ચોપડવા ઓવરબ્રિજ ઉપર રવિવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મુંદરા-રાપર રૂટની લોકલ એસ.ટી. બસની પાછળ એક બાઇક ધડાકાભેર અથડાયું હતું. આ પ્રચંડ ટક્કરને કારણે અજાણ્યા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જેને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ભચાઉ-ગાંધીધામ હાઇવે હાલ દ્વિચક્રી વાહનચાલકો માટે અતિજોખમી સાબિત થઇ રહ્યો છે. અકસ્માતોના ભયને કારણે પરિવારો પોતાના સ્વજનોને આ માર્ગે બાઇક લઇને જવા દેતા અચકાય છે. આમ છતાં અનિવાર્ય સંજોગોના કારણે મુસાફરી કરતા લોકો માટે આ હાઇવે સતત ભયજનક બની રહ્યો છે. 

Panchang

dd