• સોમવાર, 22 જૂન, 2026

સુરતમાં 9.50 લાખની ટોપી ફેરવનારા ભુજના પાંચ ઠગબાજ ઝડપાયા

ભુજ, તા. 21 : ફેસબુક પર સસ્તાં સોનાંની લાલચ આપી 9.50 લાખના શીશામાં સુરતના શખ્સને દોઢેક વર્ષ પૂર્વે ઉતારતાં સુરતમાં નોંધાયેલી આ છેતરપિંડીની ફરિયાદના નાસતા-ફરતા ભુજના પાંચ ઠગબાજોને એલસીબીએ ઝડપી પાડયા છે. આ બનાવની સિલસિલાવર વિગતો જોઈએ તો, દોઢેક વર્ષ પૂર્વે ફેસબુક પર સસ્તાં સોનાંની લોભામણી લાલચમાં આવીને સુરતના ધવલ જયસુખભાઈ વસોયાએ મોબાઈલથી રાજુભાઈ (રહે. માંડવી)નો સંપર્ક કરતાં આંબા-આંબલી બતાવી વિવિધ લોકો સાથે સંપર્ક કરાવી કુલ મળીને રૂા. 9.50 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ધવલે સુરત શહેરના ઉત્રાણ પોલીસ મથકે ગત તા. 28/12/24ના છ શખ્સો વિરુદ્ધ નોંધાવી હતી. દોઢેક વર્ષ જૂના આ છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓ પૈકી ઓસમાણ ઈશા સોઢા (રહે. હંગામી આવાસ, ભુજ) તથા તેના અન્ય સાગરીતો હાલે હંગામી  આવાસમાં હાજર હોવાની સ્થાનિક બાતમી એલસીબીને મળતાં આ કામના આરોપી ઓસમાણ ઉપરાંત રિયાઝ જાકબ સમા, અકબર ઈશા ફકીર (સોઢા), અસલમશા ભાવનશા શેખ (રહે. તમામ ભુજ) અને અધિયન ઉર્ફે શિવમ જયવેન્દ્રસિંઘ સેંગર (મિરજાપર)ને ઝડપીને આગળની કાર્યવાહી અર્થે ભુજ બી-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. 

Panchang

dd