• સોમવાર, 22 જૂન, 2026

યોગ દુનિયાનો સૌથી મોટો સામુદાયિક ઉત્સવ

નવી દિલ્હી, તા. 21 : ભારતનો યોગ આજે `વૈશ્વિક સંસ્કૃતિ' બની ગયો છે, તેવી પ્રતીતિ રવિવારે દુનિયાભરમાંથી મળેલા `આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણીના સમાચારોએ કરાવી હતી. `યોગા ફોર હેલ્ધી એજિંગ' એટલે કે `વધતી વયે સ્વસ્થ રહેવા માટે યોગ'ની થીમ સાથે કાશ્મીર-કન્યાકુમારીથી કચ્છ સુધી ભારતીય નાગરિકોએ યોગ કર્યો હતો. ટોકયોનાં ઐતિહાસિક મંદિરોથી માંડીને ન્યૂયોર્કનાં ટાઈમ સ્કવેર સુધી વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. પશ્ચિમ બંગાળ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, યોગ સૌને જોડે છે. યોગ દુનિયાનો સૌથી મોટો સામુદાયિક ઉત્સવ બની ચૂકયા છે. જે લોકો, દેશ અને સંસ્કૃતિઓને એક સાથે જોડે છે. પૃથ્વીનો સૌથી લાંબો દિવસ મનાતો 21 જૂન હવે આખી દુનિયામાં યોગ દિવસ તરીકે ઊજવાય છે તેવું વડાપ્રધાન બોલ્યા હતા. કોલકાતાના ઐતિહાસિક `રેડરોડ' પર યોગ કરવા ઊમટેલા હજારો `યોગપ્રેમી'ઓને સંબોધતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, 0 વર્ષની વયે 30 વર્ષથી વધુ ઊર્જાવાન અને 70ની ઉમરે પ0 વર્ષ જેવા સ્વસ્થ રહેતાં યોગ જ શીખવે છે. મોદીએ કોલકાતાના રેડરોડથી રાષ્ટ્રીય સમારોહનું નેતૃત્વ કર્યું હતું. જ્યાં હજારો  લોકોએ કોમન યોગ પ્રોટોકોલ સત્રમાં ભાગ લીધો હતો. વિશ્વભરમાં 210થી વધારે ભારતીય દૂતાવાસ અને 2500થી વધારે અન્ય સ્થળોએ કાર્યક્રમો આયોજિત થયા હતા, જે યોગની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને બતાવે છે.  પીએમ મોદીએ કોલકાતામાં યોગ દિવસ સમારોહ દરમિયાન સંબોધન કરતાં કહ્યું હતું કે, ભારતમાં હિમાલયથી લઈને હિંદ મહસાગાર, પૂર્વમાં નોર્થ ઈસ્ટ અને બંગાળથી લઈને પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી પૂરો દેશ યોગની ઊર્જાથી ભરેલો લાગી રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે, યોગ ઉંમર વધવાની સાથે પણ યુવા અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. યોગ જીવનને સતત વિકાસ તરફ વધવા માટે પ્રેરિત કરે છે. પીએમ મોદી ઉપરાંત અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દેશ તેમજ દુનિયાભરના જાણીતા લોકોએ યોગ દિવસના અલગ-અલગ સમારોહમાં ભાગ લઈને ઉજવણી કરી હતી. આ ઉપરાંત સુરક્ષા દળો દ્વારા પણ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ સ્થળે કપરા માહોલ વચ્ચે ફરજ બજાવતા સુરક્ષા દળના જવાનોને યોગ મારફતે દુનિયાભરને સંદેશ આપવાની કોશિશ કરી હતી.  

Panchang

dd