• સોમવાર, 22 જૂન, 2026

દયાપર, રવાપર અને માનકુવામાંથી માદક પદાર્થ ગાંજા સાથે શખ્સો દબોચાયા

ભુજ, તા. 21 : હાલ ચાલી રહેલી `ઓપરેશન ઝીરો ટોલરન્સ'ના અનુસંધાને ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન થોડા દિવસોથી ગાંજા સાથે શખ્સો ઝડપાયાના બનાવો વચ્ચે વધુ ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં દયાપરમાંથી રૂા. 43,700ના અને રવાપરમાંથી રૂા. 6233ના તેમજ માનકૂવામાંથી રૂા. 2250ના માદક પદાર્થ ગાંજા સાથે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. લખપત તાલુકાના દયાપરમાં ગામના તળાવની પાસે એકટીવા નં. જી.જે.12બી.પી.1063ની ડેકીમાં ગાંજો રાખી વેચાણ કરતો હોવાની ગઈકાલે રાતે દયાપર પોલીસને બાતમી મળતા દરોડો પાડી આરોપી ઉમર નાથા ખલીફા (રહે. દયાપર)ને માદક પદાર્થ ગાંજાનો જથ્થો 874 ગ્રામ કિ. રૂા. 43,700 અને રોકડા રૂા. 500 તથા એક્ટીવા કિ. રૂા. 3000 એમ કુલે રૂા. 74,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો તેણે સબીર કકલ (અંજાર) પાસેથી લીધો હોવાનું જણાવતા બન્ને સામે અને ડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઈ હતી. બીજી તરફ નખત્રાણાના રવાપરથી ઘડાણી જતા રસ્તે રાજ ડ્રિકિંગ વોટરના પતરાવાળા શેડની બાજુમાં ગાંજાનું વેચાણ કરતા અલાદીન સિધિક ભટ્ટી (રહે. રવાપર)ને ગાંજાનો જથ્થો 124.66 ગ્રામ કિ. રૂા. 6233 અને એક મોબાઈલ કિ. રૂા. 5000 એમ કુલ્લે રૂા. 12,433ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. આ માલ તેણે અબ્બાસ બાફણ (રહે. નાગિયારી, તા. ભુજ) પાસેથી લીધાની કેફિયત આપતા બન્ને વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત આજે અડધી રાતે માનકૂવા પોલીસે બાતમીના આધારે ભુજ - નખત્રાણા ધોરીમાર્ગે ભૂમિ પેટ્રોલ પંપ સામે મારાજ ટી સ્ટોલ પાસેથી માદક પદાર્થ ગાંજો 45 ગ્રામ કિ. રૂા. 2250 અને એક મોબાઈલ કિ. રૂા. 3000 તથા રોકડા રૂા. 2380 એમ કુલ્લે રૂા. 7630ના મુદ્દામાલ સાથે પ્રકાશ રામજી લોંચા (રહે. માનકૂવા)ને ઝડપી લીધો હતો. આ ગાંજો તેણે અંજારના ગંગા નાકા પાસેથી મો. નં. 95124 86547વાળા પાસેથી લીધાનું જણાવ્યું હતું. પોલીસે એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. 

Panchang

dd