અમદાવાદ, તા. 31 : પહેલાં બોલિંગ અને પછી બેટિંગમાં
દમદાર દેખાવ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સતત બીજા વર્ષે આઈપીએલ કિંગ બની છે. કિંગ
વિરાટ કોહલીના 45 દડામાં અફલાતૂન 75 રન (અણનમ)ની મદદથી ફાઈનલમાં
નિસ્તેજ ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટે હરાવીને આરસીબીએ ખિતાબ જાળવતાં ફ્રેન્ચાઈઝીના
પ્રશંસકો ખુશ થઈ ગયા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાયબ્રન્ટ માહોલ વચ્ચે
યોજાયેલા ફાઈનલ જંગમાં આરસીબીના બોલરોએ ગુજરાતને તેના જ ગઢમાં 20 ઓવરમાં 8 વિકેટે 155 રન સુધી સીમિત રાખ્યા બાદ ચેઝ માસ્ટર કોહલીએ ફરી એકવાર પોતાનો
ક્લાસ બતાવ્યો હતો અને 45 દડામાં ત્રણ
છગ્ગા અને નવ ચોગ્ગા સાથે મંત્રમુગ્ધ 75 રન ફટકારીને જીત નિશ્ચિત બનાવી હતી. બેંગ્લોરે 18 ઓવરમાં લક્ષ્ય પાર પાડીને સળંગ
બીજી વાર ચેમ્પિયનશિપ મેળવી હતી. વેંકટેશ ઐયરે 16 દડામાં 32 રનનું યોગદાન
આપ્યું હતું. વિરાટે સિક્સર સાથે ટીમને સ્ટાઈલમાં જીત અપાવી હતી. કોહલી ઉપરાંત રસિખ
સલામ દાર (27 રનમાં ત્રણ વિ.), ભુવનેશ્વર કુમાર (29 રનમાં બે વિ.) અને હેઝલવૂડ
(37 રનમાં બે વિ.) પણ જીતના હીરો
સાબિત થયા હતા. 2025ની સિઝનમાં
પંજાબ કિંગ્સ સામે ફાઇનલમાં જીત નોંધવનાર આરસીબી 2026 ફાઇનલમાં ટાઈટન્સને તેના હોમ ગ્રાઉન્ડ પર હાર આપી સતત બીજીવાર
આઇપીએલ ટ્રોફી સાથે 20 કરોડનું ઇનામ
જીતી લીધું હતું. વિરાટ કોહલીએ તેની આઇપીએલ ઇતિહાસની સૌથી ઝડપી અર્ધસદી 2પ દડામાં પૂરી કરી હતી. તે 42 દડામાં 9 ચોગ્ગા-3 છગ્ગાથી 7પ રને નોટઆઉટ
રહ્યો હતો. તેના અને વેંકટેશ અય્યર (32) વચ્ચે પહેલી વિકેટમાં ફકત 27 દડામાં 62 રનની ઝડપી
ભાગીદારી થઇ હતી. જો કે, પડીક્કલ 1, કપ્તાન પાટીદાર 1પ અને કુણાલ 1 સસ્તામાં આઉટ થયા હતા. રાશિદ ખાને એક જ
ઓવરમાં બે વિકેટ ઝડપતાં એક તબક્કે મેચ રોમાંચક
બની હતી, પણ વિરાટે ફરી પોતાની વિરાટ પ્રતિભા બતાવીને
જીત નિશ્ચિત બનાવી હતી. ડેવિડે 24 અને જિતેશે અણનમ 11 રન કરી કોહલીના સાથમાં આરસીબીને જીત અપાવી હતી. ટાઈટન્સ તરફથી
રાશિદ ખાને 2, સિરાજ, રબાડા અને અરશદે 1-1 વિકેટ લીધી હતી. અગાઉ આરસીબીની
શાનદાર બોલિંગ અને ચુસ્ત ફિલ્ડિંગ સામે આઇપીએલ-2026 ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 1પપ રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી. ટાઈટન્સના મોટાભાગના બેટર
આરસીબીના શોર્ટ પીચ બાઉન્સરનો શિકાર બન્યા હતા. એકમાત્ર વોશિંગ્ટન સુંદરે સંઘર્ષ કરીને
37 દડામાં અણનમ પ0 રન કરી ટાઈટન્સને 1પપ રનના સન્માનજક સ્કોર સુધી પહોંચાડયું
હતું. ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં
જ 4પ રનની અંદર કપ્તાન શુભમન ગિલ (10) અને ઈન્ફોર્મ બેટર સાઇ સુદર્શન
(12)ની વિકેટ ગુમાવી દીધી હતી.
આ બે વિકેટ પછી આરસીબીએ વર્ચસ્વ જમાવી દીધું હતું. ટાઈટન્સની ઈનિંગ્સમાં 33 ટકા ડોટ બોલ રહ્યા હતા. જ્યારે
ફકત 3 છગ્ગા જ લાગ્યા હતા અને 1પ ચોગ્ગા માર્યા હતા. આખરી પ ઓવરમાં ગુજરાત
ટીમે પ0 રનનો ઠીકઠાક વધારો કર્યે હતો. આરસીબી તરફથી
રસિખ દારે સૌથી વધુ 3 વિકેટ લીધી
હતી, જ્યારે ભુવનેશ્વર અને હેઝલવૂડે 2-2 વિકેટ ઝડપી હતી. આરસીબીની ધારદાર
બોલિંગ સામે મિડલ ઓવરમાં ટાઈટન્સની રન રફતાર એકદમ થંભી ગઇ હતી અને 40 દડા સુધી બાઉન્ડરી લાગી ન હતી.
ટાઈટન્સની ઈનિંગ્સની પહેલી સિક્સ છેક 12.4 ઓવર પર આવી હતી. ફાઇનલનાં દબાણમાં ટાઈટન્સના બેટર્સ ક્રીઝ પર
ટકી રહેવામાં સફળ રહ્યા ન હતા. આથી કોઇ મોટી ભાગીદારી પણ થઇ ન હતી. 26 રનમાં બે મુખ્ય વિકેટ ગિલ અને
સાઇની ગુમાવી દીધા પછી વનડાઉનમાં પ્રમોટ થયેલ નિશાંત સંધુ 18 દડામાં 20 રને આઉટ થયો હતો. ટાઈટન્સનો
ત્રીજો મુખ્ય બેટધર જોસ બટલર પણ કમાલ કરી શકયો ન હતો. તે 23 દડામાં કુણાલના દડામાં 19 રને સ્ટમ્પ આઉટ થયો હતો. અરશદ ખાને 6 દડામાં 1પ રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી. રાહુલ તેવતિયા, જેસાન હોલ્ડર અને રાશિદ ખાન 7-7 રને આઉટ થયા હતા. સમયાંતરે
ખરતી વિકેટો વચ્ચે વોશિંગ્ટન સુંદર એક જીવતદાન સાથે ક્રીઝ પર ટકી રહ્યો હતો અને આઇપીએલ
કેરિયરની ત્રીજી અર્ધસદી કરી 37 દડામાં પ
ચોગ્ગાથી પ0 રને નોટઆઉટ રહ્યો હતો.