કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : આવતીકાલે પહેલી જૂન. આ
મહિનાનું સામાન્ય રીતે પણ આગવું મહત્ત્વ રહ્યું છે. આકરાં ઉનાળા, અગનવર્ષાથી તપેલી ધરતી, ત્રસ્ત માનવી, પશુ-પંખી, જીવસૃષ્ટિને
ચાતક નજરે વરસાદી ફોરાંનો ઇંતજાર હોય છે. આ મહિનામાં જ દેશના ઘણા ખરા વિસ્તારમાં ચોમાસાંની
શરૂઆત થાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ,
વિશ્વ સંગીત દિવસ જૂન દરમ્યાન આવે અને ઊજવાય. એથી વિશેષ વાત એ કે આ મહિનાથી
ખેડૂતો તૈયારીમાં પરોવાય. વિદ્યાર્થીઓ નવાં સત્રના અભ્યાસકાર્યમાં ઉત્સાહભેર લાગી જાય.
આ થઇ જનરલ વાતો, પણ કચ્છ માટે જૂન મહિનો એટલે નવા જન્મનો,
નવી આઝાદીનો સમય. ભારતને સ્વતંત્રતા 15મી ઓગસ્ટ 1947ના રોજ મળી પરંતુ કચ્છમાં એ
સમયે રાજાશાહી હતી એટલે અહીં ભારતનો રાષ્ટ્રધ્વજ 1લી જૂન 1948ના રોજ લહેરાયો
હતો. આજની પેઢી માટે આ ઇતિહાસ જાણવો જરૂરી છે. `કચ્છનો સર્વાંગી ઇતિહાસ'માં બાપાલાલ જાડેજાએ વિસ્તૃત વિગતો નોંધી છે. કચ્છના મહારાવ મદનસિંહજીએ તા.
4/5/1948ના રોજ હિંદ સંઘ સાથે કચ્છ
મર્જર એગ્રીમેન્ટ કર્યો હતો. તે અનુસાર તા. 1/6/1948ના રોજ કચ્છ રાજ્યનો વહીવટ હિંદ સંઘના પ્રતિનિધિ ચીફ કમિશનરને
સોંપવાનો નિર્ણય લેવાયો હતો અને ગોઠવણ મુજબ કચ્છ માટે નિમાયેલા ચીફ કમિશનર સી. કે.
દેસાઇએ કચ્છ આવીને પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. તા. 1/6/1948ના રોજ સવારે ઉમેદભુવન ખાતે
સત્તા સોંપણીના ખાસ સમારોહનું આયોજન થયું હતું જેમાં કચ્છના અનેક આગેવાનો અને વરિષ્ઠ
અધિકારીઓ હાજર રહ્યા હતા. કચ્છ રાજ્ય વતી કચ્છના અંતિમ દીવાન જે. જે. આશરના હસ્તે કચ્છનો
કબજો ચીફ કમિશનર દેસાઇને વિધિપૂર્વક સોંપવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક ઘડી હતી જે સાકાર
કરવામાં સરદાર વલ્લભભાઇ પટેલની કુનેહ-દુરંદેશી અને કચ્છના રાજ પરિવારની સમજદારી કારણભૂત
રહી હતી. સત્તાના આ હસ્તાંતરણ માટે મહારાવ મદનસિંહજીને કોઇ અફસોસ થયો નહોતો પરંતુ પ્રજાના
અને કચ્છના હિતમાં સત્તાનો ત્યાગ કરીને પ્રજાતંત્રમાં સહભાગી બનવાનો આનંદ વ્યક્ત કર્યો
હતો. એ કાર્યક્રમમાં ભારતની રિયાસત-ખાતાંના પ્રધાન અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ
પટેલ નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નહીં. તેમણે મહારાવ અને કચ્છની જનતાને પાઠવેલા
સંદેશામાં કહ્યું કે, `કચ્છનું રાજકીય, ભૌગોલિક અને આર્થિક મહત્ત્વ ઘણું છે. તે હિન્દનું
એક અગત્યનું સરહદી થાણું છે. વિકાસમાં તે પછાત છે, છતાં તેની
કુદરતી સંપત્તિ વિશાળ શક્યતાઓથી ભરેલી છે. ઘરમાંથી વિખૂટા થઇ ગયેલા નિરાશ્રિતો જેમને
મદદ, રાહત અને પુનર્વસવાટની ઘણી જરૂર છે તેમને વસાવવા સારુ કચ્છમાં
ઘણો અવકાશ છે. કચ્છની પ્રજાની તાકાત, ધૈર્ય, સંપત્તિ અને સાહસિકતા ઘણી છે, તે તેમના આ ગુણોની પૂરતી
સાબિતી છે.' અખિલ હિંદના હિતને હંમેશાં પ્રાધાન્ય આપવાની તત્પરતા
બતાવી કચ્છની પ્રજાએ હિન્દના સ્વાતંત્ર્યસંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ શાણા
અને સ્વદેશાભિમાનથી ભરેલા નિર્ણય સારુ હું નામદાર મહારાવશ્રી અને કચ્છની પ્રજા બંનેને
અભિનંદન આપું છું અને એક ઘણા મહત્ત્વના પ્રશ્નનો નિકાલ કરવામાં હિન્દ સંઘને જે મોટી
મદદ આપી છે તે સારુ તેઓનો આભાર માનું છું. કચ્છના રાજવી અને પ્રજાને હું ખાતરી આપું
છું કે મધ્યસ્થ સરકાર તરફથી પ્રજાનાં હિત અને કલ્યાણ તરફ હંમેશાં સંપૂર્ણ સહાનુભૂતિપૂર્વક
ધ્યાન આપવામાં આવશે. આપ નિશ્ચિંત રહેજો. જો કે, આપનું ભલું અને
ઉન્નતિ મારી સતત ચિંતાનો વિષય રહેશે. કચ્છની પ્રજા સર્વ રીતે ખુશ અને સમૃદ્ધ થાય એમ
હું ઇચ્છું છું અને દેશના હિત માટે આત્મત્યાગની જે ભાવના કચ્છના રાજવીએ બતાવી છે તે
સારુ નામદારને મારાં હાર્દિક અભિનંદન આપું છું તથા નવા રાજતંત્રને સફળતા ઇચ્છું છું.
મહારાવ મદનસિંહજીએ પ્રતિભાવમાં કહ્યું હતું કે, `જીવનમાં કોઇપણ વસ્તુનો ત્યાગ કરવો તે સહેલું
નથી, પણ હિન્દના ભાગલાએ કચ્છ હિંદ સરકારની સીધી દેખરેખ
તળે હોય એ અનિવાર્ય બનાવ્યું છે. કચ્છના વ્યવહારની સુધારણા અને તેની કુદરતી સંપત્તિના
વિકાસ સારુ કરોડો રૂપિયાની જરૂર છે અને આ ખર્ચ કરવામાં હિન્દ સરકાર અચકાશે નહીં તેની
મેં ખાતરી કરી છે. કચ્છના રાજતંત્રનું અને પ્રજાનાં જીવનનું ધોરણ હિન્દના બીજા કોઇ
પ્રાંતની સાથે સરખાવી શકાય તે પ્રમાણે રાખવામાં આવશે એમ પ્રધાનમંડળે મને વચન આપ્યું
છે. તે સંજોગોમાં કચ્છના અને આપણા મહાન દેશ, જેનું સ્વાતંત્ર્ય
આપણને સૌને વહાલું છે. તે બંનેના હિતની દૃષ્ટિએ માનનીય અને પ્રૌઢ રાજપુરુષ સરદાર પટેલની
સલાહ સ્વીકારવામાં મને જરા પણ સંકોચ થયો ન હતો. કચ્છની જનતાના કલ્યાણમાં હું હાલની
માફક જ ઊંડો રસ લઇશ. મહાત્માજીએ પોતાના જીવન દરમ્યાન જે મહાન આદર્શો સારુ કાર્ય કર્યું
છે, તે પ્રત્યેની મારી અંજલિના પ્રતીક તરીકે મહાત્મા ગાંધી મેમોરિયલ
ફંડમાં કોરી ત્રણ લાખ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે તે જાહેર કરવાની હું આ તક લઉં છું.
આ પરિવર્તન સાથે કચ્છે ભારત સંઘના ભાગ તરીકે `ક' વર્ગ (સી સ્ટેટ)નો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. કચ્છનો તમામ વહીટ ચીફ કમિશનર
શ્રી દેસાઇને હવાલે કરવામાં આવ્યો હતો. શ્રી દેસાઇ 10/8/51 સુધી ચીફ કમિશનર રહ્યા. તેમના
સમયમાં કચ્છમાં ઘણો વિકાસ થયો. તેમના પછી 1956 સુધી એસ. એ. ઘાટગેએ કામ સંભાળ્યું હતું. 1950થી ભારતના બંધારણનો અમલ શરૂ
થતાં 1952માં પ્રથમ ચૂંટણી થઇ. એ સમયે
કચ્છે રાજ્યસભામાં પ્રેમજી ભવાનજી ઠક્કરને ચૂંટી મોકલ્યા હતા. લોકસભામાં પણ પૂર્વ કચ્છ
(ગુલાબશંકર ધોળકિયા) અને પશ્ચિમ કચ્છ (ભવાનજી અરજણ ખીમજી) એમ સાંસદ ચૂંટાયા હતા. આ
ઇતિહાસ આજની લોકશાહીમાં ભૂલી જવાયો છે. કચ્છ વિશાળ વિસ્તારમાં ફેલાયેલો જિલ્લો છે.
લોકસભામાં એક સંસદ કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે,
સાથે રાજ્યસભામાં પણ કચ્છીને તક મળે તો આ પ્રદેશ સાથે રાજકીય ન્યાય થયો
લેખાશે.