હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 31 : ગુજરાતમાં સામાજિક અને આરોગ્ય
ક્ષેત્રે બદલાતા પ્રવાહોને દર્શાવતો રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (એનએફએચએસ-6)નો તાજો અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. જેમાં અગાઉના સર્વેક્ષણ-એનએફએચએસ-5ની સરખામણીએ આ અહેવાલમાં સૌથી મોટો અને
ચોંકાવનારો પડકાર પુખ્ત વયના નાગરિકોમાં વધી રહેલી જીવનશૈલીની બીમારીઓનો સામે આવ્યો
છે. રાજ્યમાં બદલાતી આદતો અને બેઠાડુ જીવનને કારણે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને મેદસ્વીતા જેવી બિન-ચેપી
બીમારીઓ ખૂબ જ ઝડપથી પંજો મજબૂત કરી રહી છે. જે ભવિષ્યના જાહેર આરોગ્ય માટે મોટી ચેતવણી
સમાન છે. ગુજરાતમાં મહિલાઓ અને પુરુષો બંનેમાં વજન વધવાની સમસ્યા ચિંતાજનક સ્તરે પહોંચી
છે. રાજ્યમાં ઓવરવેઇટ મહિલાઓનું પ્રમાણ અગાઉના 22.7 ટકાથી ખૂબ જ મોટો ઉછાળો મારીને
32.1 ટકા થઈ ગયું છે, જ્યારે પુરુષોમાં આ આંકડો 20 ટકાથી વધીને 29.9 ટકા પર પહોંચ્યો છે. ખાસ કરીને
શહેરી વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ વણસી છે. જ્યાં 44. ટકા મહિલાઓ અને 40.2 ટકા પુરુષો ઓવરવેઇટ કે મેદસ્વીતાની શ્રેણીમાં આવે છે. આ વધતા
વજનની સીધી નકારાત્મક અસર નાગરિકોના બ્લડ સુગર અને બ્લડ પ્રેશર પર જોવા મળી રહી છે.
રાજ્યમાં 140થી વધુ બ્લડ સુગર લેવલ ધરાવતા
અથવા તો તેને નિયંત્રણમાં રાખવા દવા લેતા પુરુષોનું પ્રમાણ 18.6 ટકા અને મહિલાઓનું પ્રમાણ 16.4 ટકા નોંધાયું છે. તેવી જ રીતે,
હાઈ બ્લડ પ્રેશર એટલે કે એલિવેટેડ બ્લડ પ્રેશરની સમસ્યા પણ વકરી છે,
જ્યાં 22.3 ટકા પુરુષો
અને 20.9 ટકા મહિલાઓ આ સાયલન્ટ કિલર
બીમારીનો સામનો કરી રહ્યા છે અથવા તેની નિયમિત દવા લઈ રહ્યા છે. શહેરોમાં 25.5 ટકા પુરુષો અને 24.1 ટકા મહિલાઓ હાઈ બ્લડ પ્રેશરથી
પીડિત છે. જોકે, ગુજરાતીઓમા આરોગ્ય ક્ષેત્રે
હોસ્પિટલ ડિલિવરી એટલે કે સંસ્થાકીય પ્રસુતિનો દર 97.1 ટકા જેવો શાનદાર રહ્યો છે.
જે દર્શાવે છે કે, સુરક્ષિત બાળજન્મ
માટે જાગૃતિ વધી છે પરંતુ આ જ પ્રસુતિના આંકડામાં ચિંતાજનક બાબત એ સામે આવી છે કે,
ખાનગી હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રોમાં થતાં સિઝેરિયન ઓપરેશનનું પ્રમાણ
39.8 ટકા જેટલું ઊંચું છે, જ્યારે તેની સામે સરકારી હોસ્પિટલોમાં આ દર
15.6 ટકા છે, જે તબીબી ક્ષેત્રે ચર્ચાનો નવો વિષય બન્યો છે.